તમામ વોર્ડમાં સ્ક્રીનીંગ, રોગપ્રતિકારક શક્તિનો અવિરત પ્રચાર-પ્રસાર ૩,૯૩,૮૧૦ લોકોને ઉકાળા તથા ૧,૬૨,૮૧૯ લોકોને આયુર્વેદિક દવાનું વિતરણ
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રાજય સરકારના આરોગ્ય વિભાગના આદેશ અન્વયે કોરોના રોગના દર્દીઓના કોરોના સ્ક્રીનીંગ, રોગ પ્રતિકારક શક્તિ તથા પ્રચાર-પ્રસારના ઉમદા આશયથી ૧ લી જુલાઈથી ધન્વંતરી રથની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
આ અંગે વિશેષ માહિતી આપતા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ કે જીતશે રાજકોટ, હારશે કોરોના સાર્થક કરવા દરેક વોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા ૫૦ ધન્વંતરી રથ શહેરમાં સવારે-સાંજે જુદા જુદા વિસ્તારમાં કાર્યરત કરેલ છે. આ ધન્વંતરી રથમાં રાજય સરકાર દ્વારા હંગામી ધોરણે ૪૦ કોવીડ આયુષ મેડિકલ ઓફિસર, તથા ૪૦ નર્સીંગ સ્ટાફની મંજુરી આપેલ છે.
ધન્વંતરી રથની કામગીરી કોરોના પોઝીટીવ કેસના વિસ્તારમાં ક્ધટેઈન્ટમેન્ટ ઝોનના વિસ્તારમાં, પછાત વિસ્તારમાં તથા કેસના મેપિંગ આધારીત વિસ્તારમાં કરવામાં આવે છે. આ કામગીરી ધન્વંતરી રથની ટીમ આયુષ મેડિકલ ઓફિસર, એમ.પી.એચ.ડબલ્યુ., એ.એન.એમ., અર્બન આશા દ્વારા કાર્યરત છે.ધન્વંતરી રથની મુખ્યત્વે કામગીરીમાં નક્કી કરેલા વિસ્તારમાં આશા દ્વારા ઘરે ઘરે સર્વે તથા પલ્સ ઓક્સીમીટર દ્વારા (શરીરમાં લોહીમાં ઓકસીજનનું માપ) માપવામાં આવે છે. જેમાં શંકાસ્પદ જણાય અથવા તો હાઈરીસ્ક ગ્રુપને મેડિકલ ટીમ દ્વારા તપાસ કરી જરૂર જણાય તો આરોગ્ય કેન્દ્ર અથવા નિષ્ણાંત ડોકટરો પાસે રીફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં આશા દ્વારા ૧,૩૭,૩૮૭ ઘરનો સર્વે કરીને ૩૧૦ લોકોને નિષ્ણાંત ડોકટરો પાસે રીફર કરેલ છે.
નક્કી કરેલા રથના વિસ્તારમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળા કે જે નિષ્ણાંત આયુર્વેદચાર્યના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવે છે તેનું વિતરણ કરવામાં આવે છે. આજ સુધીમાં ૩,૯૩,૮૧૦ લોકોને ઉકાળા પીવડાવેલ છે.
મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા રાજકોટના શહેરીજનોને જીતશે રાજકોટ, હારશે કોરોનાને સાર્થક કરવા ધન્વંતરી રથનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.