વળતર ચૂકવણા માટે ખેડૂતોને ૫ સપ્ટેમ્બર સુધીમાં આધાર પુરાવા મોકલી દેવા ખેતીવાડી અધિકારીની અપીલ
મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ૨૦ કરોડનું નુકશાન થયું હોવાનું ખેતીવાડી વિભાગના સર્વેમાં બહાર આવ્યું છે,ખેતીવાડી વિભાગ મોરબીએ સરકાર પાસે ૨૦ કરોડની ગ્રાન્ટ માંગી છે અને ખેડૂતોને વહેલાસર નુકશાન વળતરની ચુકવણી થાય તે માટે ૫ સપ્ટેમ્બર પહેલા જરૂરી આધાર પુરાવા મોકલી આપવા અપીલ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલ નુક્શાનીનો અંદાજ કાઢવા ખેતીવાડી વિભાગ દ્વારા ૧૪ ટીમો મારફત સર્વે કરાવવામાં આવ્યો હતો.સર્વે દરમિયાન મોરબી તાલુકાના ૧૧,માળીયા તાલુકાના ૧૦,વાંકાનેર તાલુકાના ૪૫,ટંકારા તાલુકાના ૪૨ અને હળવદ તાલુકાના ૧૬ ગામો મળી જિલ્લાના કુલ ૧૨૪ ગામોના ૧૬૪૫૮ ખેડૂતોને ૨૦ કરોડ રૂપિયા જેટલું નુકશાન પહોંચ્યું હોવાનું બહાર આવ્યું છે.
વધુમાં ખેતીવાડી અધિકારીશ્રી ગજેરાના જણાવ્યા મુજબ નુક્શાનીનો સર્વે બે વિભાગમાં કરવામાં આવ્યો છે,જેમાં ખેડૂતોને ૩૩%થી ઓછું અને ૩૩%થી વધુ નુકશાન હોય તેવા ખેડૂતોનો અલગ-અલગ સર્વે કરવામાં આવ્યો છે.જે મુજબ જિલ્લામાં ૪૨૦૯ ખેડૂતોને ૩૩%થી ઓછું અને ૧૨૨૪૯ ખેડૂતોને ૩૩%થી વધુ નુકશાન ભારે વરસાદને કારણે પહોંચ્યું હોવાનું બહાર આવ્યું છે.
દરમિયાન ભારે વરસાદને કારણે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ખેતીલાયક પિયત પ્રકારની ૯૧૨૧.૦૫ હેકટર અને બિનપીયત પ્રકારની ૫૦૧૫.૪૧ હેકટર જમીનમાં ૩૩% કે તેથી વધુ નુકશાન થયાનું સર્વેના તારણમાં બહાર આવ્યું છે.ખેતીવાડી થયેલા નુકશાન મામલે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ગજેરાએ જણાવ્યું હતું કે જે-જે ખેડૂતોને ખેતીમાં નુકશાની થઈ છે તેવા ખેડૂતોએ સત્વરે ૭/૧૨,૮-અ,ગામ નમૂના નંબર-૧૬નોકશાની વાળા ખેતરના ફોટા,બેન્ક પાસબુક,કેન્સલ ચેક,આઈડી પ્રુફ,આધારકાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેંન્ટ ૫ સપ્ટેમ્બર પહેલા જમા કરાવવા જેથી વળતર ચૂકવણાં વહેલી તકે થઈ શકે.