અમૃત સરોવરોના નિર્માણકાર્યોની સમીક્ષા કરતાં કલેક્ટર અરુણ મહેશ બાબુ
ભારત સરકારના નેશનલ વોટર ક્ધઝર્વેશન મિશન વિભાગ દ્રારા “જલ શકિત અભિયાન-કેચ ધ રેઇન” કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં નવા અમૃત સરોવરોના નિર્માણ, હયાત અમૃત સરોવરોનું સમારકામ, તથા તેમના નવીનીકરણ અને બ્યુટીફીકેશન વગેરે કાર્યોની સમીક્ષા કરવા અંગેની બેઠક કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અમૃત સરોવરોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના કલેકટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને આપી હતી. રાજકોટ જિલ્લામાં 75 અમૃત સરોવર પૈકી 20 સરોવર તૈયાર થઇ ચૂકયા છે. જયારે 55 જેટલા સરોવરોના કામો પ્રગતિ હેઠળ છે.
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજયભરના તમામ જિલ્લાઓમાં 75 અમૃત સરોવર બની રહયા છે. આ સરોવરોના નિર્માણથી વરસાદી પાણીનો સંગ્રહ થશે. ભુગર્ભ જળ ઉંચા આવશે. અને સહેલાણીઓને સુંદર પર્યટન સ્થળ પ્રાપ્ત થશે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહિતના સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ‘જલ વિઝન 2047’ થીમ પર બે દિવસીય પ્રથમ અખિલ ભારતીય રાજ્ય મંત્રીઓની વાર્ષિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની જાહેરાત કરી હતી.