• ઈલેક્ટ્રોથર્મ કંપનીના કર્મચારીનું અપહરણ કરી રોકડ અને મિલ્કત પચાવી પાડી’તી

Kutch News : કચ્છ પોલીસના ભ્રષ્ટ અધિકારીઓએ ઈલેક્ટ્રોથર્મના માલિકો સાથેની સાઠગાંઠને કારણે ભોગ બનનારા દંપતીને અપહરણ વિથ ધાડના ગુનાના મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનનાર સામે ખોટી ફરિયાદ દાખલ કર્યાનું ખૂલતા પોલીસકાંડ બહાર આવ્યો છે. ઈલેક્ટ્રોથર્મ કંપનીમાં સિનિયર લોજિસ્ટિકની પોસ્ટ પર ફરજ બજાવતા પરમાનંદ ઉર્ફ પ્રેમ સિંધી લીલારામ શીરવાણીને કંપનીમાંથી જાણ થઈ કે, શૈલેષ ભંડારી તમારા નામે લોન લઈ તમને અને તમારા પરિવારને મારી નાખશે. જેના પગલે પ્રેમ સિંધીએ કંપનીમાંથી રાજીનામું આપી છૂટા થવાની વાત કરી હતી.

આ મામલે ઉશ્કેરાયેલા ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારીએ તેના માણસો મોકલી પ્રેમ સિંધીનું અપહરણ કરાવી માર મારીને તેના ફ્લેટના કાગળો, રોકડ રકમ 10 લાખ તેમજ 20 લાખના સોનાના દાગીના વગેરે પડાવી લઈ ધાડનો ગુનો આચર્યો હતો. સિક્યોરિટી ગાર્ડે મદદ કરતા પ્રેમસિંધી ભંડારીના કબજામાંથી ભાગીને સોલા સિવિલ હોસ્પિટલમાં 2015માં દાખલ થયો હતો. આ મામલે ફરિયાદ કરવા માટે પ્રેમ સિંધી પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસના આદિપુર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યો પણ ગુનો દાખલ કર્યો ન હતો.

આ મામલે પ્રેમ સિંધીએ હાઈકોર્ટમાં દાદ માંગતા કોર્ટે ગુનો દાખલ કરવા 2019માં હુકમ કર્યો પણ પીએસઆઈ એન.જે. ચૌહાણે પ્રેમની પત્નીના લમણે બંદૂક ધરીને કાગળો પર સહીઓ કરાવી આ કેસમાં ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં ફાઇલ કર્યો હતો. આ મામલે તત્કાલીન એસપી જી.વી. બારોટ, ભાવના પટેલ, ડીવાયએસપી વી.જે. ગઢવી, ડી.એસ.વાઘેલા અને આર.ડી. દેસાઈને અરજી કરી પણ કોઈએ પગલાં લીધાં ન હતાં. બીજી તરફ સુપ્રીમ કોર્ટે આ મેટર પર સ્ટે આપ્યો હતો. જોકે સ્ટે હટી જતા સીઆઈડી ક્રાઈમ બોર્ડર રેન્જ ઝોનમાં શૈલેષ ભંડારી, અનુરાગ ભંડારી આણી મંડળી અને 2 આઈપીએસ, 3 ડીવાયએસપી અને એક પીએસઆઈ સામે ગુનો દાખલ થયો છે.

ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી સામાન્ય લોકોની ફરિયાદ ન લઈને લોકોને બચાવવાના આક્ષેપો થઇ રહ્યા છે. તેવામાં બે આઈપીએસ, ત્રણ ડીવાયએસપી અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે અપહરણ અને ખંડણી માંગવાના ગંભીર કેસમાં ગુન્હો દાખલ કરવાને બદલે આરોપીને બચાવી લેવાની હરકત બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પૂર્વ કચ્છના બે તત્કાલીન એસપી જી.વી. બારોટ અને ભાવના પટેલ ઉપરાંત ત્રણ ડીવાયએસપી વિજય ગઢવી, ધનંજય એસ. વાઘેલા અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ચૌહાણ સામે ભુજ સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. બે આઈપીએસ સહીત છ પોલીસ અધિકારીએ પ્રેમ શિરવાણી નામના વ્યક્તિની ગંભીર ફરિયાદ હોવા છતાં તેની ઉપર કાર્યવાહી કરવાને બદલે ઈલેક્ટ્રો થર્મ (ઈટી)ના માલિક શૈલેષ ભંડારીને સતત બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને છેવટે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જયાં આ પોલીસ અધિકારીઓ સહીત કુલ 19 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આ કેસના ફરિયાદી પ્રેમ લીલારામ શીરવાણી ઇટીમાં શૈલેષ ભંડારી સાથે કામ કરતા હતા. ઇટી કંપનીમાં ડિરેક્ટર બનાવીને તેમના નામે કરોડો રૂપિયાની લોન લીધા બાદ તેમને પતાવી દેવાનો કારસો ઘડવામાં આવ્યો છે તેવી ગંધ તેમને આવી ગઈ હતી એટલે તેમણે ડિરેકટર બનવાનું ના કહી દેતા પ્રેમનું અપહરણ કરીને અઠવાડિયા સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ તેની પત્ની પાસેથી સવા બે કરોડની સુધીની ખંડણી ઉઘરાવ્યા બાદ પણ શૈલેષ ભંડારી વધુ હેરાન કરી રહ્યો હતો. સમગ્ર મામલામાં પ્રેમ પાસે ઓડીયો વિડિઓ સહિતના આધાર પુરાવા હતા છતાં શૈલેષ સામે ફરિયાદ કરવાને બદલે પોલીસ તેને છાવરી રહી હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો પછી પણ પોલીસ સતત ઇટી કંપનીના જવાબદારોને બચાવવાનો ભરચક પ્રયાસ કરતી રહી હતી. આ મામલે પરમાનંદે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી પીટીશન અંતર્ગત 10-10-2019ના રોજ હાઈકોર્ટે તમામ લોકો સામે ગુનો દાખલ કરવા હુકમ કરેલો હતો પરંતુ ભંડારીએ સુપ્રીમ કોર્ટમાં જઈ હાઈકોર્ટના હુકમ સામે મનાઈ હુકમ મેળવ્યો હતો. 16-01-2024ના રોજ સુપ્રીમ કોર્ટનો મનાઈ હુકમ વેક્ધટ થઈ જતાં અંતે ભુજ બોર્ડર ઝોન સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકે ઈટી કંપનીના એમડી, કર્મચારીઓ અને 6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

ડીજીપીએ તપાસ અર્થે એસઆઈટી બનાવી તેમ છતાં ક્લોઝિંગ રિપોર્ટ ભરી દેવાયો

વર્ષ 2015થી શરુ થયેલા આ સમગ્ર મામલા અપહરણ અને ખંડણીની ગંભીર પ્રકારની ફરિયાદ પુરાવા સાથે આપવા છતાં પૂર્વ કચ્છ – ગાંધીધામના તત્કાલીન એસપી જી.વી.બારોટ અને ભાવના આર.પટેલ સહીત ત્રણ ડેપ્યુટી એસપી ડી.એસ.વાઘેલા, વિજય ગઢવી અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ચૌહાણ દ્વારા સતત ક્લોઝિંગ રિપોર્ટ આપીને કઈં જ થયું નથી તેવું રટણ કરવામાં આવતું હતું. ડીજીપી શિવાનંદ ઝાએ એસઆઈટી બનાવી તેમાં પણ પોલીસ અધિકારીએ ક્લોઝિંગ રિપોર્ટ ભરી દીધા હતા. પોલીસ કેટલી હદે ઈલેક્ટ્રો થર્મ કંપનીના શૈલેષ ભંડારીને છાવરી રહી હતી કે એસઆઈટીની રચના બાદ પણ તેમાં ડેપ્યુટી એસપી આર.ડી.દેસાઈએ કોઈ જ ગુન્હો બન્યો નથી એવો ક્લોઝિંગરી રીપોર્ટ ભરી દીધો હતો.

આશ્ચર્ય: આઈપીએસ જી.વી.બારોટ સામે તો મહિલા પીએસઆઈએ છેડતીની ફરિયાદ કરી’તી

પૂર્વ કચ્છના તાત્કાલિન એસપી તરીકે જી.વી.બારોટ જયારે કાર્યરત હતા ત્યારે તેમના વિરુદ્ધ ગાંધીધામમાં રહેતા એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા બિભત્સ માંગણી કરીને છેડતી કર્યાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. અલબત્ત જેમાં તેમને કોર્ટે પાછળથી નિર્દોષ જાહેર કર્યા હતા. જી.વી.બારોટની જેમ અન્ય પોલીસ અધિકારીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે તેવા અંજારના તત્કાલીન ડીવાયએસપી ધનંજય વાઘેલા ઉર્ફે ડી.એસ.વાઘેલા સામે પણ તેઓ જયારે અંજાર હતા ત્યારે વ્યાપક ફરિયાદો કરવામાં આવી હતી.

કોણ કોણ છે આરોપી?

ઘટના અંગે સીઆઈડી ક્રાઈમે શૈલેષ ભંડારી, અનુરાગ મુકેશ ભંડારી, સંજય જોશી (એચ.આર. જનરલ મેનેજર), બલદેવ રાવલ (સિક્યોરીટી ઈન્ચાર્જ- અમદાવાદ ઑફિસ), અમિત પટવારીકા (એકાઉન્ટ મેનેજર), હિતેષ સોની (ઑડિટ ઈન્ચાર્જ), શ્રીધર મુલચંદાણી, અનિલ દ્વિવેદી (સિક્યોરીટીવાળા), બંકત સોમાણી (સિક્યોરીટીવાળા), મહેન્દ્ર પતીરા, પવન ગૌર, શિવમ્ પોદ્દાર અને અન્ય 6 અજાણ્યા સિક્યોરીટી ગાર્ડ સામે ફરિયાદ નોંધી છે. ફરિયાદી પરમાનંદે આપેલી વિગતો મુજબ આદિપુરના તત્કાલિન પીએસઆઈ એન.કે. ચૌહાણ, ડીવાયએસપી વી.જે. ગઢવી, ડીવાયએસપી ડી.એસ. વાઘેલા, ડીવાયએસપી આર.ડી. દેસાઈ, એસપી ગૌતમ વી. બારોટ અને એસપી ભાવનાબેન પટેલ વિરુધ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. સીઆઈડી ક્રાઈમે તમામ લોકો સામે ઈપીકો કલમ 406,420,323,347,348,364, 365, 384, 389, 504, 506(2), 114, 120 બી, 166-બી તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1) (એ) અને (બી) તળે ગુનો દાખલ કર્યો છે. તપાસ રાજકોટ સીઆઈડીના ડીવાયએસપીને સુપ્રત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.