રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૪ કોરોના પોઝિટિવ માલિયાસણ અને અમદાવાદના દર્દીનું મોત
રાજુલામાં ૬ વર્ષથી નાસતો ફરતો આરોપી કોરોનાગ્રસ્ત પરિવારને ક્વોરેઇન્ટઇન કરાયો
સૌરાષ્ટ્રમાં ગત સાંજથી અત્યાર સુધી જુદા જુદા સાત જિલ્લાઓમાં કોરોનાના વધુ ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ ના જેતપુર તાલુકામાં ૩ અને જસદણમાં વધુ ૧ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. અન્ય ૬ જિલ્લાઓમાં પણ કોરોનામાં ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. માલિયાસણ અને અમદાવાદના કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે રાજુલાનો ૬ વર્ષથી નાસતો ફરતો આરોપી કોરોનાની ઝપટે ચડતા તેમના પરિવારને ક્વોરેઇન્ટઇન કરવાની કાર્યવાહી હાથધરી છે.
રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જેતપુરના દેસાઈ વાડી તેજાવાળા પ્લોટમાં દિપાબેન રાજેશભાઇ ગાલોરીયા નામના ૪૩ વર્ષના મહિલા સુરતથી લૌકિક પ્રશ્નગથી આવ્યા બાદ કોરોનાની ઝપટે ચડ્યા હતા. જેતપુરમાં જ ચાંપરાજપુર રોડ પર આવેલા ભોજાધાર ખાતે રહેતા સમીર મુમતાઝભાઈ પઠાણ(ઉ.વ.૨૨) મુંબઈની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતો યુવાન કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે આજ રોજ વધુ એક ૬૨ વર્ષની વૃદ્ધા પણ કોરોના સંક્રમણમાં આવ્યા છે. જસદણમાં વેકરિય વાડી પાસે બજરંગ નગરમાં રહેતા અનિતાબેન દિપકભાઇ થળેશ્વર નામના ૫૦ વર્ષના મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં માલિયાસણ ગામના કોરોના પોઝિટિવ અને અમદાવાદથી ગત તા.૭મી ના રોજ રાજકોટ સર્જરી કરવા આવેલા દર્દીઓના કોરોનામાં મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક સાથે બે કેસ નોંધાતા મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦ ઉપર પોહચી ગઈ છે. નવા પોઝિટિવ કેસમાં હળવદ શહેરમાં આજે કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદથી પરત આવેલા દંપતીને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.હળવદના સોની વાડ વિસ્તારમાં રહેતા લલિતભાઈ સોની ઉમર વર્ષ ૬૦ અને તેમના પત્ની નિતાબેન સોની ઉમર વર્ષ ૫૫ નો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હાલ બંને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હોવાની વિગતો મળી છે.વાંકાનેર : વાંકાનેરના ખેરવા ગામે અમદાવાદથી આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડે. કલેકટર, મામલતદાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ ક્ધટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોન નક્કી કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.વાંકાનેરના ખેરવા ગામે રવિરાજસિંહ અનિરૂદ્ધસિંહ ગોહિલ નામના ૩૨ વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવક અમદાવાદ રહેતો હોય અહીં તે પોતાના મામાના ઘરે આવ્યો હતો. હાલ તે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે.તેમનું સેમ્પલ આજે સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી લેવામાં આવેલ હતું. જેમાં રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો. વાંકાનેરમાં વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે. જેમાં બસ સ્ટેશન પાસે રહેતા હરેશભાઇ હિંમતલાલ ભટ્ટ નામના ૬૨ વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટીવ આવતા તેમને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લામાં જામનગરમાં પણ કોરોનાના વધુ ૭ પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આકડો ૧૦૦ નજીક પહોંચ્યો છે. જૂનાગઢ માં પણ કોરોના વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાતા કુલ આકડો ૫૮ થયો છે. મેંદરડાના ૪૮ વર્ષીય મહિલા કેશોદ માંગરોળ રોડ પર ૪૮વર્ષીય પુરુષ અને જૂનાગઢ સિટીના સરદાર બાગ વિસ્તારમાં ૪૫ વર્ષીય મહિલા પોઝિટિવ આવ્યા છે.
ભાવનગરમાં પણ વધુ ૪ કોરોના પોઝિટિવ આવતા કુલ આંક ૧૭૬ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર માં પણ કોરોના સંક્રમણ વધતા વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલીમાં પણ કોરોના વાયરસનો વ્યાપ વધતા વધુ ૩ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ ૩૭ થયા છે.