ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં આજે બપોરે બે બસ અથડાતા ચારના મોત થયા હતા અને 30 થી વધુ મુસાફરો ઘવાયા હતા.
ઘવાયેલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં એકની હાલ ગંભીર ગણાવાઇ રહી છે.
લોધા થાણા વિસ્તારના કચ્યુઆ ગામમાં સર્જાયેલા આ અકસ્માતમાં અલીગઢ તરફથી આવી રહેલી હરિયાણા રોડવેજની બસનું આગળનું ટાયર ફાટતા બસ બેકાબુ બની હતી અને ડિવાઇડર પર થઇ વીજળીના થાંભલા સાથે અથડાઇ ખેર તરફથી આવી રહેલી હરિયાણા રોડવેઝની અન્ય બસ સાથે અથડાઇ હતી.
બસ અથડાતા તેમાં બેઠેલા પ0 મુસાફરોની ચીચીયારીથી હાઇવે ગુંજી ઉઠવ્યો હતો. યાત્રીઓની રો કકડ સાંભળી આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા ખેડુતો મદદે દોડી આવ્યા હતા અને ઘવાયેલાઓને બસમાંથી બહાર કાઢી સારવાર માટે અલીગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત અંગે લોધા પોલીસ મથકે જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
ઘટના સ્થળે જ ત્રણ યાત્રીના મોત થયા હતા અને સારવાર વેળાએ જ એકે અંતિમ શ્ર્વાસ લીધા હતા. અકસ્માતમાં 30 મુસાફરો ઘવાયા હતા. જેમાં એકની હાલત ગંભીર ગણાવાય છે.