લાખો NIRનું સ્વપ્ન સાકાર થશે
કોરોનાકાળમાં બ્રેક લાગ્યા બાદ હવે નાગરિકત્વ આપવાની કામગીરીનો ધમધમાટ
અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોનારા લાખો ઇમિગ્રન્ટ્સનું સપનું સાકાર થવાની તૈયારીમાં છે. અમેરિકન સરકાર હવે ધડાધડ ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરી રહી છે. 30 સપ્ટેમ્બર સુધીમાં, એટલે કે અઢી મહિનાની અંદર અમેરિકન સરકાર દ્વારા 2.80 લાખ ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે. તેમાં ખાસ કરીને ભારતીય અને ચાઈનીઝ ઇમિગ્રન્ટ્સને સૌથી વધુ ફાયદો થશે.
કોરોનાના કારણે અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલર ઓફિસ બંધ હતી અથવા ઓછા સ્ટાફથી કામ ચલાવતી હતી. હવે તેણે ઓછા સમયમાં વધારે ગ્રીન કાર્ડ્સ ઈશ્યૂ કરવાના છે.
એમ્પ્લોયર સ્પોન્સર્ડ ઈમિગ્રેશનમાં વ્યક્તિએ છ તબક્કામાંથી પસાર થવું પડે છે જેમાં એક પ્રિફાઈલિંગનો તબક્કો પણ હોય છે. તેમાં અરજકર્તા અને એમ્પ્લોયરે ગ્રીન કાર્ડ માટે લાયકાત સાબિત કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડે છે. યુએસસીઆઈએસ 2021ની તુલનામાં અત્યારે વીકલી ધોરણે બમણા વિઝાનો ઉપયોગ કરે છે. એમ્પ્લોયર સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડ મેળવવા માટેનો વેઈટિંગ પિરિયડ ત્રણ વર્ષનો હતો, પરંતુ હવે તે લિમિટ વટાવી ગયો છે. 2500 ડોલરની ફી ભરવામાં આવે તો વેઇટિંગનો ગાળો સાત મહિના ઘટી જાય છે. એટલે કે 2 વર્ષ અને 5 મહિનામાં ગ્રીન કાર્ડ મળી જાય છે. 2016 પછી અમેરિકાએ એવરેજ ગ્રીન કાર્ડની પ્રોસેસમાં 16 મહિના ઉમેર્યા છે. 2021 અને 2022માં એક વર્ષનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા પગાર, સ્કીલના લેવલ અને એરિયા કોડની તપાસ કરવામાં આવે છે. વેતન નક્કી કરવા માટેનો સમયગાળો પણ 76 દિવસથી વધીને 182 દિવસ થઈ ગયો છે. એક અહેવાલ પ્રમાણે કોવિડના કારણે ગયા વર્ષમાં મંજૂરીની સરખામણીમાં ઓછા વીઝા ઇશ્યૂ થયા હતા અને લગભગ 66,000 એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝા વેડફાઈ ગયા હતા. હવે ટૂંકા સમયગાળામાં 2.80 લાખ ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવાનું મોટું કામ પાર પાડવા ત્યાંનું તંત્ર સજ્જ બન્યું છે.
ગ્રીન કાર્ડની પ્રોસેસના કારણે અનેક ભારતીયો મુશ્કેલીમાં!!
યુએસમાં અનેક ભારતીયો એવા છે જે ગ્રીન કાર્ડની પાત્રતા ધરાવે છે. આવા ભારતીયોના પાસપોર્ટ હાલ ગ્રીન કાર્ડની પ્રોસેસમાં ઘણા મહિનાઓથી અટવાયેલા છે. આવા લોકોને કદાચ જો ઇમરજન્સીમાં ભારત આવવાનું થાય તો તેવો આવી શકે તેમ નથી. આમ આ ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે. હવે તેઓને વહેલાસર ગ્રીન કાર્ડ મળે તેવી આશા સેવી રહ્યા છે.
ગત વર્ષે 1.80 લાખ ગ્રીન કાર્ડ ઇસ્યુ કરાયા હતા
યુએસ દ્વારા સપ્ટેમ્બર સુધીમાં 2.8 લાખ ગ્રીન કાર્ડ ઇસ્યુ કરવા માટે અત્યારે કામગીરીનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. આવી જ રીતે ગત વર્ષે પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જેમાં યુએસસીઆઈએસ દ્વારા ગયા વર્ષે 1.80 લાખ ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરાયા હતા.
એચ1બી વિઝા અને એલ1 વિઝા જેવા કામચલાઉ વિઝા ઉપર પણ અપાયો ભાર
યુએસમાં વર્તમાન સમયમાં લેબરની અછત છે અને તેના કારણે બહારથી નવા કામદારો આવે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. એચ1બી વિઝા અને એલ1 વિઝા જેવા કામચલાઉ વિઝાની તુલનામાં ગ્રીન કાર્ડ અલગ ચીજ છે. તેની મદદથી વિદેશી કામદારો ગમે તે કંપનીમાં મુક્ત રીતે નોકરીઓ કરી શકે છે અને તેનાથી તેમના યુએસ ઈમિગ્રેશનના સ્ટેટસને કોઈ અસર થતી નથી. હવે ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરવા પર આપવામાં આવેલા ફોકસના કારણે સૌથી વધુ ચાઈનીઝ અને ભારતીય ઇમિગ્રન્ટ્સને તેનો ફાયદો થવાની શક્યતા છે.