રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો 14 માર્ચથી પ્રારંભ થયા બાદ 30 માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ ચકાસણી પણ શરૂ કરાઇ છે. ફોર્મની ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ 15 એપ્રિલે પ્રવેશની ફાળવણી કરાશે. આ વખતે 43896 બેઠક માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, ગત વર્ષ કરતા આ વખતે આરટીઇની બેઠકોમાં 39 હજારનો જંગી ઘટાડો થયો છે.

44 હજાર જેટલી બેઠકો માટે હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહીમાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 2.35 લાખ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે. આમ, આરટીઇની પ્રવેશ કાર્યવાહીમાં બેઠકો કરતા પાંચ ગણા વધુ ફોર્મ ભરાયા છે.આરટીઇ અંતર્ગત રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરાતી હોય છે. રાજ્યમાં 2024-25ના નવા શૈક્ષણિક વર્ષ માટે વિભાગ દ્વારા આરટીઈની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રવેશ માટે વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટે 13 માર્ચ સુધીનો સમય અપાયો હતો,

14 માર્ચથી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં વાલીઓને ફોર્મ ભરવા માટે 13 દિવસનો સમય અપાયો હતો અને 26 માર્ચ સુધી ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. 26 માર્ચના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજ્યના કુલ 2.08 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. જોકે, હજુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાનું જણાતા 30 માર્ચ સુધી મુદત વધારાયા બાદ અંતે કુલ 235387 ફોર્મ ભરાયા છે. જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી કરી એપ્રુવ કે રિજેક્ટ માટેની કાર્યવાહી સોમવારે પૂર્ણ થઈ છે. ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા બાદ ફરી ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરાશે.

ગત વર્ષ કરતા 38,957 બેઠકમાં ઘટાડો

આ વખતે આરટીઈ અંતર્ગત 43896 બેઠકો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જોકે, ગત વર્ષે રાજ્યમાં 82853 બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, ચાલુ વર્ષે 38957 બેઠકોનો ઘટાડો થયો છે.

રાજકોટ જિલ્લામાં 3111 જગ્યા સામે 22 હજારથી વધુ અરજી આવી

રાજકોટ શહેરમાં અંદાજિત 13,678 અને ગ્રામ્યમાં 8535 અરજી રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશન માટે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે શહેરમાં સંભવિત 2328 જગ્યા અને ગ્રામ્યમાં 783 સીટ પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લાની કુલ 950થી વધુ ખાનગી શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.