ઠંડા પ્રદેશમાં નવેમ્બરથી માર્ચ સુધી શિયાળો આક્રમક રહેશે, આ દરમિયાન નાગરિકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બનશે : ચાર મહિના ખાદ્ય ચીજ વસ્તુઓના અભાવે નાગરિકો ભૂખમરાનો સામનો કરશે
અબતક, નવી દિલ્હી : અફઘાનિસ્તાનની અડધાથી વધુ એટલે કે 2.28 કરોડ નાગરિકો ઉપર શિયાળામાં ભૂખમરાનું જોખમ તોળાઇ રહ્યું છે. જેની પાછળનું કારણ એ છે કે અફઘાનિસ્તાનમાં ઠંડા પ્રદેશનો વિસ્તાર ખૂબ મોટો છે. ત્યાં શિયાળાની સીઝનમાં નાગરિકોને ઘરની બહાર નીકળવું પણ કઠિન છે. આવા નાગરિકો પાસે હાલ પર્યાપ્ત ખાદ્ય ચીજોનો જથ્થો ઉપલબ્ધ નથી. માટે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થવાની ભીતિ યુએને પણ વ્યક્ત કરી છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું સાશન સ્થપાયા બાદ ત્યાંનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. આવા સમયે શિયાળો દાઝ્યા ઉપર વધુ ડામ દેવાનો છે. અફઘાનિસ્તાનની ભૌગોલિક સ્થિતિને કારણે ત્યાં શિયાળાની અસર ખૂબ વધુ પ્રમાણમાં રહે છે. નવેમ્બર 2021થી માર્ચ 2022 સુધી અહીં અડધાથી વધુ વસ્તીને અસર થાય છે. એક અંદાજ મુજબ શિયાળો 2.28 કરોડ અફઘાન નાગરિકોને અસર કરે છે. એ હદે અસર કરે છે કે નાગરિકોને ઘરની અંદર જ રહેવું પડે છે.
સામાન્ય રીતે આ અસરગ્રસ્ત અફઘાન નાગરિકો દર વર્ષે ખાદ્યચીજોનો જથ્થો અનામત રાખી દેતા હોય છે. પણ આ વર્ષે તો વર્તમાન સ્થિતિમાં પણ ખાવાના ફાંફા પડ્યા હોય ચાર મહિનાનો ખાદ્ય ચીજોનો જથ્થો કેવી રીતે અગાઉથી ઉપલબ્ધ કરવો તે નાગરિકો માટે પડકાર બન્યો છે. યુએન દ્વારા અફઘાનિસ્તાનમાં વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે જે મુજબ ત્યાં અત્યાર સુધીની સૌથી મોટી કટોકટી સર્જાઈ છે. યુએનએ જાહેર પણ કર્યું છે કે અફઘાનિસ્તાનમાં સહાય માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ખાસ શિયાળામાં ત્યાં મોટા પ્રમાણમાં લોકો ભૂખમરાનો સામનો કરવાના છે. આવા સમયે માનવતાવાદી વલણ વાપરવામાં આવશે.
બીજી તરફ શિયાળામાં વરવી પરિસ્થિતિથી બચવા માટે લાખો અફઘાન નાગરિકો ઠંડા પ્રદેશમાંથી હિજરત કરે તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. યુએનએ એવી પણ હિમાયત કરી છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આ કટોકટીનો સામનો કરવા માટે એકસાથે આવવું જોઈએ. જેથી ત્યાંના નાગરિકો આ સમસ્યામાંથી ઝડપથી બહાર નીકળી શકશે.
એક અહેવાલ મુજબ એપ્રિલ 2021 માં જારી કરાયેલ છેલ્લી આકારણીથી તીવ્ર ભૂખનો સામનો કરી રહેલા અફઘાન લોકોની સંખ્યામાં 37 ટકાનો વધારો થયો છે. જોખમ ધરાવતા લોકોમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 32 લાખ બાળકો છે જે વર્ષના અંત સુધીમાં તીવ્ર કુપોષણથી પીડાશે તેવો અંદાજ છે. યુનિસેફે ચેતવણી પણ આપી છે કે જો પરિસ્થિતિ ન સુધરી તો 10 લાખ બાળકો કુપોષણના કારણે મૃત્યુને ભેટશે.