પ્રશ્નનોત્તરી કાળમાં પ્રથમ કોમલબેન ભારાઇના પ્રશ્ર્નની ચર્ચા: પ્રશ્ર્નોત્તરી કાળનો એક કલાકનો સમય કોને અને ક્યાં નિયમ હેઠળ નક્કી કરાયો? વશરામ સાગઠીયાનો સવાલ

રાજકોટ મહાનગર પાલિકામાં આગામી 19મી મેના રોજ સવારે 11 કલાકે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ કે કોંગ્રેસ નહી પરંતુ પક્ષ પલ્ટો કરનાર કોર્પોરેટર સભાને ગજવશે. તાજેતરમાં કોંગ્રેસનો સાથ છોડી આપનું ઝાડુ પકડનાર વોર્ડ નં.15ના નગરસેવિકા કોમલબેન ભારાઇના પ્રશ્ર્નની સૌપ્રથમ ચર્ચા થશે. પૂર્વ વિપક્ષી નેતા અને હવે આપના આગેવાન એવા વશરામ સાગઠીયાએ સભા ગૃહ સમક્ષ એવો પ્રશ્ર્ન રજૂ કર્યો છે કે પ્રશ્ર્નોત્તરી કાળનો સમય એક કલાકનો રાખવો તેવું કોને અને ક્યાં નિયમના આધારે નક્કી કરવામાં આવ્યું છે.

જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના 11 કોર્પોરેટરોએ 22 પ્રશ્ર્નો જ્યારે કોંગ્રેસના બે કોર્પોરેટરોએ 6 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. જ્યારે અન્ય ચૂંટાયેલા બે સભ્યોએ પણ ચાર પ્રશ્ર્નો રજૂ કર્યા છે. કુલ 15 નગરસેવક દ્વારા 32 પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા છે. જો કે, સામાન્ય રીતે પ્રશ્ર્નોત્તરી કાળનો એક કલાકનો સમય માત્ર એક જ પ્રશ્ર્નની સાચી ખોટી ચર્ચા કરવામાં પસાર કરી દેવામાં આવે છે. પ્રથમ વખત એવું બનશે કે પ્રશ્ર્નોત્તરી કાળમાં ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ અન્ય નગરસેવકના પ્રશ્ર્નની પ્રથમ ચર્ચા થશે.

કોંગ્રેસનો સાથ છોડી આપમાં ગયેલા કોમલબેન ભારાઇ અને વશરામ સાગઠીયાને કોંગ્રેસે પોતાના પક્ષમાંથી સત્તાવાર રીતે પાણીચું આપ્યુ નથી. બીજી તરફ તે ચૂંટણીમાં કોંગ્રેસના પ્રતિક પરથી વિજેતા બન્યા હોય તેઓને ઓન રેકોર્ડ આપના નગરસેવક ગણાવી શકાય નહીં આવામાં તેઓના નામની આગળ અન્ય ચૂંટાયેલા સભ્યો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોમલબેન ભારાઇએ સ્કૂલને લગતો પ્રશ્ર્ન પૂછ્યો છે

જ્યારે વશરામભાઇ સાગઠીયાએ મહાપાલિકાના તમામ ટીપી પ્લોટની માહિતી માંગી છે અને સોલીડ વેસ્ટ શાખાની ગ્રાન્ટ અંગે માહિતી માંગી છે આટલું જ નહીં તેઓએ ક્યાં નિયમના આધારે જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોત્તરી કાળનો સમય એક કલાક નિયત કરવામાં આવ્યો તેની માહિતી પણ માંગી છે.

જનરલ બોર્ડમાં કોમલબેન ભારાઇના પ્રશ્ર્નની ચર્ચા સૌપ્રથમ કરવામાં આવશે ત્યારબાદ અનુક્રમે અશ્ર્વિન પાંભર, સંજયસિંહ રાણા, રૂચીતાબેન જોષી, દક્ષાબેન વસાણી, ડો.રાજેશ્રીબેન ડોડીયા, નરેન્દ્રભાઇ ડવ, મનિષ રાડીયા, કેતન પટેલ, વશરામભાઇ સાગઠીયા, ભારતીબેન પાડલીયા, હાર્દિક ગોહેલ, ભાનુબેન સોરાણી અને મકબુલ દાઉદાણી સહિત 15 નગરસેવકોએ 32 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. બોર્ડમાં અલગ-અલગ નવ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

  • વોર્ડ નં.13માં મેંગો માર્કેટ ચોક હવે સ્વ.રતિભાઇ બોરીચા ચોક તરીકે ઓળખાશે

કોર્પોરેશનમાં આગામી 19મીએ મળનારા જનરલ બોર્ડની બેઠકમાં કુલ 9 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવનાર છે. જેમાં બે અલગ-અલગ દરખાસ્તો નામકરણની છે. જેમાં વોર્ડ નં.13માં આનંદ બંગલા ચોક પાસે આવેલા મેંગો માર્કેટવાળા ચોકને સ્વ.રતિભાઇ બોરીચા ચોક નામકરણ કરવા તથા વોર્ડ નં.1માં ગાંધીગ્રામ વિસ્તારમાં પુરૂષાર્થ સ્કૂલ મોચી નગર હોલની બાજુમાં આવેલા ચોકનું ગુરૂનાનક ચોક નામકરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.