સત્તાધારી પક્ષ ભાજપના કોર્પોરેટરોમાં સંકલનનો અભાવ,છ કોર્પોરેટરોના પ્રશ્ર્નો રિપીટ જેવા: નરેન્દ્રસિંહ વાઘેલાના પ્રશ્ન થશે પ્રથમ ચર્ચા:20 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી 19 જાન્યુઆરીના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં માત્ર સત્તાધારી પક્ષ ભાજપના જ નગરસેવકોના પ્રશ્નોની ચર્ચા થશે કારણ કે, સેક્રેટરી વિભાગ દ્વારા વિપક્ષના સભ્યોને બોર્ડની તારીખ અંગે જાણ કરવામાં આવી ન હોવાના કારણે તેઓ પ્રશ્ન રજુ કરી શક્યા નથી.રૂ.150 કરોડની મર્યાદામાં મ્યુનિસિપલ બોન્ડ પ્રસિદ્ધ કરવા સહિતની અલગ-અલગ 20 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
કોર્પોરેશનમાં દર બે મહિને જનરલ બોર્ડ બેઠક મળે છે.જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના પ્રશ્નો રજૂ કરે છે. આગામી 19મી જાન્યુઆરીના રોજ સવારે 11:00 કલાકે મેયર નયનાબેન પેઠડીયા ના અધ્યક્ષસ્થાને બોર્ડ બેઠક મળશે.જેમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા અલગ અલગ 18 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલાના અમૃત યોજના હેઠળ બાંધકામ, રસ્તા, ડ્રેનેજ, વોટર વર્ક્સ રોશની અને સોલિડ વેસ્ટ વિભાગના પ્રોજેક્ટ હાલ ક્યાં તબક્કે છે અને નવા પ્રોજેક્ટ માટેનું શું આયોજન છે તે અંગે માહિતી માંગી છે.જ્યારે બીજા ક્રમે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણીનો પ્રશ્ન છે તેઓએ કોર્પોરેશનની કઈ કઈ મિલકત પર સોલાર રૂફટોપ નાખવામાં આવ્યા છે તેની માહિતી માંગી છે અને આ યોજનાથી માસિક વીજ બિલમાં કેટલી બચત થાય છે તેનું પૂછાણ કર્યું છે.સત્તાધારી પક્ષ ભાજપના કોર્પોરેટરોમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. કારણ કે છ કોર્પોરેટરો એવા છે કે જેના પ્રશ્નોમાં સામ્યતા છે.વોર્ડ નં. 13ના કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળા અને વોર્ડ નં. 16 ના કોર્પોરેટર સુરેશભાઈ વસોયાએ ટીપી સ્કીમને લખતો એક સમાન પ્રશ્ન પૂછ્યો છે. જ્યારે નરેન્દ્રસિંહ વાઘેલા અને વોર્ડ નં. 11 ના કોર્પોરેટર વિનોદ સોરઠીયાએ અમૃત યોજના હેઠળ મળેલી ગ્રાન્ટ કે કામો અંગેના માહિતી માંગી છે.
વોર્ડ નં.1ના નગરસેવિકા દુર્ગાબા જાડેજા અને વોર્ડ નં. 17ના નગરસેવિકા કિર્તીબા રાણાએ પાણી વિતરણ અંગેનો પ્રશ્ન રજૂ કર્યો છે. કોંગ્રેસના માત્ર બે કોર્પોરેટરોને જનરલ બોર્ડનો એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.તેવી જાણ સેક્રેટરી વિભાગ દ્વારા કરવામાં આવી નથી જેના કારણે તેઓ બપોર સુધી પોતાનો પ્રશ્ન રજૂ કરી શક્યા ન હતા.
જનરલ બોર્ડ બેઠકમાં અલગ અલગ 20 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.જેમાં સૌથી મહત્વપૂર્ણ દરખાસ્ત રાજકોટના વિકાસ માટે 150 કરોડની મર્યાદામાં ભંડોળ ઉભો કરવા માટે મ્યુનિસિપલ બોન્ડ પ્રસિદ્ધ કરવાની છે.
આ ઉપરાંત અલગ અલગ કેડરની જગ્યાના લાયકાત અને નિયમોમાં ફેરફાર કરવા આવાસ યોજનાની દુકાનો જાહેર હરાજીથી વેચાણ કરી હોય તેના દસ્તાવેજ કરી આપવા અલગ અલગ રાજમાર્ગો અને ચોક તથા ગાર્ડન નું નામકરણ કરવા રામ વનના સામાન્ય નીતિ નિયમો અને પ્રવેશ નક્કી કરવા સિન્થેટિક ટ્રેક સ્વિમિંગ પૂલ અને જીમના સભ્યથી નક્કી કરવા સહિતની દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.
કોંગ્રેસના નગરસેવકોને સેક્રેટરી શાખા દ્વારા બોર્ડ અંગે જાણ જ ન કરાય
સામાન્ય રીતે પરંપરા અને નિયમ મુજબ જ્યારે મેયર દ્વારા જનરલ બોર્ડ કે ખાસ બોર્ડના એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે ત્યારે ચૂંટાયેલા તમામ સભ્યોને આ અંગે તારીખની જાણ કરવામાં આવતી હોય છે. સેક્રેટરી શાખા દ્વારા વિપક્ષ કોંગ્રેસના નગર સેવકોને જનરલ બોર્ડની તારીખ અંગે માહિતગાર કરવામાં આવે છે ગઈકાલે સાંજે મેયર દ્વારા જનરલ બોર્ડ અંગેનો એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો દરમિયાન અનુભવી એવી સેક્રેટરી શાખાના કર્મચારીઓએ વિપક્ષના બે પૈકી એક પણ સભ્યને બોર્ડ બેઠક અંગે જાણકારી આપી ન હતી જેના કારણે આજે કોંગ્રેસના એક પણ સભ્ય બપોર સુધી પોતાનો પ્રશ્ન રજૂ કરી શક્યા ન હતા.