પ્રશ્નોતરી માં પ્રથમ પ્રશ્ન આપના વશરામ સાગઠીયાનો: મવડીમાં ત્રણ ટીપી સ્કિમો બનાવવા સહિતની નવ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
રાજકોટ મહાનગર પાલિકામાં આગામી 19મી જુલાઇના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં પ્રથમવાર પ્રશ્ર્નોત્તરી કાળ આમ આદમી પાર્ટીના નગરસેવકો ગજવશે. મવડી વિસ્તારમાં અલગ-અલગ ત્રણ ટીપી સ્કિમ બનાવવા સહિતની નવ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આગામી 19મી જુલાઇના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના 10 કોર્પોરેટરોએ 20 સવાલ, કોંગ્રેસના એક કોર્પોરેટરે 3 સવાલ અને અન્ય ચૂંટાયેલા બે સભ્યોએ કુલ પાંચ સવાલો પૂછ્યા છે. સૌપ્રથમ કોંગ્રેસ છોડી આપમાં જોડાયેલા વશરામ સાગઠીયાના બે પ્રશ્ર્નોની જનરલ બોર્ડમાં ચર્ચા કરવામાં આવશે. તેઓએ શાળા-કોલેજોને લગતો પ્રશ્ર્ન પૂછ્યો છે. ગત જનરલ બોર્ડમાં પણ શાળા-કોલેજોના પ્રશ્ર્ને મામલે બોર્ડ થોડું ઉગ્ર બન્યું હતું. વશરામ સાગઠીયાએ મહાપાલિકાની હદમાં ચાલતી શાળાઓ, કોલેજો કે સરકારી સ્કૂલ સૂચિતમાં કે સરકારી ખરાબામાં કેટલી આવેલી છે. તેના નામ અને સરનામા તથા કેટલા સમયથી આ સ્કૂલ ચાલે છે તેની વિગતો માંગી છે.
આવી શાળાઓને કેટલા સમયથી મંજૂરી આપવામાં આવી છે અને ક્યા ધોરણો સુધી ત્યાં અભ્યાસ ચાલે છે, આવી શાળા-કોલેજ પાસેથી ટેક્સ ક્યારથી વસૂલવા આવે છે અને કેટલો ટેક્સ ભરપાઇ કર્યો તેની વોર્ડ વાઇઝ માહિતી માંગી છે. આ ઉપરાંત મહાપાલિકા સંચાલિત કેટલી સ્કૂલો ચાલી છે અને કેટલી ખાનગી જગ્યામાં સૂચિતમાં છે તેની માહિતી માંગી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પટાવાળાથી લઇ પ્રિન્સિપાલ સુધીની કેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને હાલ કેટલી સ્કૂલોમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે અંગે પણ માહિતીની માંગણી કરી છે. બીજો પ્રશ્ર્ન લીલુબેન જાદવનો છે. ત્યારબાદ અનુક્રમે દેવાંગ માંકડ, ભાનુબેન સોરાણી, કોમલ ભારાઇ, અલ્પાબેન દવે, કંચનબેન સિધ્ધપુરા, ડો.દર્શના પંડ્યા, જયમીન ઠાકર, પરેશ આર. પીપળીયા, દેવુબેન જાદવ, દક્ષાબેન વાઘેલા અને હાર્દિક ગોહિલે પ્રશ્ર્નો રજૂ કર્યા છે.
જનરલ બોર્ડમાં શહેરના મવડી વિસ્તારમાં ટીપી સ્કિમ નં.34, ટીપી સ્કિમ નં.35 તથા ટીપી સ્કિમ નં.36 બનાવવા ઇરાદો જાહેર કરવા ઉપરાંત ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41 હેઠળ નવી ટીપી સ્કિમ તૈયાર કરવા, અલગ-અલગ આવાસ યોજનાનું નામકરણ કરવા, કપાતમાં જતી મિલ્કતના બદલામાં પ્રાપ્ત થતા વૈકલ્પિક વળતરમાં ટીઆરડીનો સમાવેશ કરવા તથા ટીપી સ્કિમ નં.10માં મૌટા મવા વાણિજ્ય હેતુ માટે અનામત રાખવામાં આવેલા પ્લોટ નં.11 પૈકી 1000 ચો.મી. જમીન ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ લીમીટેડની વેંચાણથી આપવા સહિતની 9 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.