ભાજપના ૨૨ કોર્પોરેટરોએ ૨૨ પ્રશ્ર્નો અને કોંગ્રેસના ૬ કોર્પોરેટરોએ ૧૭ સવાલો પુછયા: કોંગી નગર સેવિકા જાગૃતિબેન ડાંગરના પ્રશ્ર્નનો પ્રથમ ક્રમ

૫ વર્ષમાં જનરલ બોર્ડમાં સમ ખાવા પુરતા એક પણ વાર પ્રજાના પ્રશ્ર્નોની ચર્ચા થઈ નથી: અંતિમ બોર્ડમાં રોડ, પાણી, આરોગ્ય, લાઈટ જેવા પ્રજાલક્ષી પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા થશે કે પ્રશ્ર્નોતરીકાળ રાબેતા મુજબ ખોટા ગોકીરામાં વેડફાઈ જશે

રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન ધર્મની મુદત આગામી ૧૪ ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે વર્તમાન બોડીનું સંભવત: અંતિમજનરલ બોર્ડ આગામી ૧૯મી ઓકટોબરના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે મળશે. જેમાં ભાજપના ૨૨ નગરસેવકોએ ૨૨ પ્રશ્ર્નો અને કોંગ્રેસના ૬ કોર્પોરેટરોએ ૧૭ પ્રશ્ર્નો પૂછયા છે. પાંચ વર્ષમાં જનરલ બોર્ડમાં સમ ખાવા પુરતા એક પણ વાર પ્રજાના પ્રશ્ર્નોની ચર્ચા થઈ શકી નથી. અંતિમ બોર્ડમાં પ્રજાલક્ષી રોડ, પાણી, આરોગ્ય અને લાઈટ જેવા પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા થશે કે રાબેતા મુજબ બોર્ડનો પ્રશ્ર્નોતરીકાળ ખોટા ગોકીરા અને આક્ષેપબાજીમાં વેડફાઈ જશે. અંતિમ બોર્ડમાં ત્રણ દરખાસ્તો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે.

મહાપાલિકાની વર્તમાન બોડીની મુદત આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. કોરોનાના વધતા જતાં સંક્રમણના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયસર થશે કે કેમ તેની સામે પણ સવાલો સર્જાયા છે ત્યારે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને આગામી ૧૯મી ઓકટોબરના રોજ સવારે ૧૧ કલાકે રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે વર્તમાન ટર્મનું અંતિમ જનરલ બોર્ડ મળશે. જેમાં એક કલાકના પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપના દલસુખ જાગાણી, મનીષ રાડીયા, દેવરાજભાઈ મકવાણા, અંજનાબેન મોરઝરીયા, અનિતાબેન ગોસ્વામી, પ્રિતીબેન પનારા, ‚પાબેન શીલુ, ડો.દર્શીતાબેન શાહ, દેવુબેન જાદવ, વર્ષાબેન રાણપરા, જયમીન ઠાકર, શિલ્પાબેન જાવીયા, જ્યોત્સનાબેન ટીલાળા, નિતીનભાઈ રામાણી, હિરલબેન મહેતા, આશિષ વાગડીયા, વિજયાબેન વાછાણી, પરેશભાઈ પીપળીયા, મુકેશભાઈ રાદડીયા, અજય પરમાર અને મીનાબેન પારેખ સહિત કુલ ૨૨ કોર્પોરેટરોએ ૨૨ પ્રશ્ર્નો રજૂ કર્યા છે તો વિપક્ષ કોંગ્રેસના જાગૃતિબેન ડાંગર, મનસુખભાઈ કાલરીયા, વશરામભાઈ સાગઠીયા, ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક અને અતુલભાઈ રાજાણી દ્વારા ૧૭ પ્રશ્ર્નો રજૂ કરાયા છે. કુલ ૨૮ નગરસેવકો દ્વારા ૩૯ પ્રશ્ર્નો જનરલ બોર્ડ સમક્ષ મુકવામાં આવ્યા છે.

પ્રથમ ક્રમે વોર્ડ નં.૧૩ના કોંગી નગરસેવીકા જાગૃતિબેન ડાંગરનો પ્રશ્ર્ન છે જેઓએ શહેરમાં રોડ-રસ્તાની સ્થિતિ સુધરે અને નાગરિકોને સારા અને ટકાઉ રસ્તાની સુવિધા મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા ગેરંટીવાળા કેટલા રોડ બનાવવામાં આવ્યા છે ? ક્યારથી ગેરંટીવાળા રોડ બનાવવામાં આવી રહ્યાં છે. ઉપરાંત તમામ ઈએસઆર અને જીએસઆરના રીપેરીંગ અને ખર્ચની વિગતો, ધનવંતરી રથ કેટલા ચાલે છે અને માસીક ખર્ચ કેટલો આવે છે. એક રથને કેટલી રેપીટ કીટ આપવામાં આવે છે તેવા ૩ પ્રશ્ર્નો બોર્ડ સમક્ષ રજૂ કર્યા છે. બીજા નંબરે કોંગ્રેસના જ વિપક્ષી ઉપનેતા મનસુખભાઈ કાલરીયાનો પ્રશ્ર્ન છે કે જેઓએ મેયરના મત વિસ્તાર વોર્ડ નં.૧૦માં અનેક વિસ્તારોમાં કેમ પુરતા ફોર્સથી પાણી મળતું નથી અને ફરિયાદોનો નિકાલ કેમ થતો નથી ? તેવા પ્રશ્ર્ન કર્યા છે અને દરરોજ ૨૦ મીનીટના બદલે ૩૦ મીનીટ પાણી વિતરણ કરવાના કોગ્રેસના સુચનની અમલવારી કેમ કરવામાં આવતી નથી તેનું પણ પુછાણું છે. સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત કેટલા કામો પૂર્ણ થયા, કોરોના સંક્રમિત થઈ સાજા થયેલા લોકોને એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મહાપાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું છે કે કેમ તે અંગેનો સવાલ રજૂ કરવામાં આવ્યો છે. પ્રથમ બે ક્રમમાં કોંગ્રેસના જ નગરસેવકોના પ્રશ્ર્નો છે જ્યારે અન્ય ત્રણ ક્રમ એટલે કે ૫ સુધીમાં ભાજપના દલસુખ જાગાણી, મનીષ રાડીયા અને બાબુભાઈ મકવાણાના પ્રશ્ર્નો છે.

વણલખી પરંપરા મુજબ બોર્ડનો એક કલાકનો પ્રશ્ર્નોતરીકાળ એક જ પ્રશ્ર્નની ચર્ચામાં વેડફાતો હોય છે. પાંચ વર્ષથી દરેક બોર્ડમાં લગભગ આ જ સીનારીયો જોવા મળે છે. ત્યારે વર્તમાન ટર્મના અંતિમ જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો ખોટા આક્ષેપબાજી અને હોહા…દેકારા કરવાના બદલે પ્રજાલક્ષી પ્રશ્ર્નોની ચર્ચા કરશે કે કેમ તેની સામે પણ સવાલો ઉભા થયા છે. જો ખરેખર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સેવા કરવાનો જ આશ્રય હોય તો સભા અધ્યક્ષ એવા મેયર બીનાબેન આચાર્યએ પણ વર્તમાન ટર્મના અંતિમ જનરલ બોર્ડમાં પણ પ્રશ્ર્નોતરી કાળનો સમય વધારી પ્રજાના પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા કરવી જોઈએ. જો કોરોના સંક્રમણના કારણે કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલાશે તો બની શકે કે ડિસેમ્બર માસમાં મેયર દ્વારા વધુ એક વખત બોર્ડ બોલાવી પણ શકે છે.

૧૯મીએ મળનારા જનરલ બોર્ડમાં કોર્પોરેશનની સીનીયર કલાર્કની જગ્યામાં ભરતીની લાયકાતમાં સુધારો કરવા, કેવડાવાડી મેઈન રોડ સ્થિત મિલકત ધારક રમાગૌરી મનસુખભાઈ ટાંક વિગેરેને કપાતમાં ગયેલી મિલકતના બદલામાં વૈકલ્પીક જમીન ફાળવવા તથા નલ સે જલ યોજના અન્વયે અડધા ઈંચના રહેણાંક નળ કનેકશનને રાજ્ય સરકારના ઠરાવ મુજબ રેગ્યુલાઈઝ કરી આપવા સહિતની ત્રણ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.