નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરીત થયાના 48 વર્ષમાં રાજકોટે કર્યો આસમાની
વિકાસ: કોરોનાના કારણે આ વખતે સ્થાપના દિનની કોઈ ઉજવણી નહીં થાય
વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા 100 શહેરોમાં સ્થાન પામેલા રાજકોટ શહેરનો વિકાસ રાજાની કુંવરી માફક થઈ રહ્યો છે. આ શહેર જેટલું દિવસે નથી વિકસતુ તેટલું રાત્રે વિકસી રહ્યું છે. શહેરના સીમાડા સતત વધી રહ્યાં છે. હવે સૌરાષ્ટ્રનું પાટનગરમાં પણ રાજકોટની ગણના થવા લાગી છે. એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને વિશ્ર્વકક્ષાના બસ પોર્ટની સુવિધાએ આ શહેરને ચાર ચાંદ લગાવી દીધા છે. આગામી 19મી નવેમ્બરના રોજ રાજકોટ મહાનગરપાલિકાનો સ્થાપના દિવસ છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરીત થયાના 48 વર્ષમાં શહેરનો આસમાની વિકાસ થયો છે અને હવે અર્ધ સદી તરફ જેટ ગતિએ આગળ વધી રહ્યું છે.
તા.19-11-1973ના રોજ રાજ્ય સરકાર દ્વારા રાજકોટને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો. આગામી 19મીએ રાજકોટ કોર્પોરેશન 48 વર્ષ પૂર્ણ કરી 49માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. સાથો સાથ સ્થાપનાની અર્ધસદી પૂર્ણ કરવા તરફ વધુ એક કદમ આગળ મુકશે. શહેરનો વિકાસ જેટ ગતિએ થઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા પણ રાજકોટની સ્માર્ટ સિટી તરીકે પસંદગી કરવામાં આવી છે. સ્વચ્છતામાં પણ શહેરનો સમગ્ર દેશમાં છઠ્ઠો ક્રમાંક આવ્યો છે. અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એવોર્ડ કોર્પોરેશનની સિદ્ધીમાં સીરમોર બની શોભા વધારી રહ્યાં છે. સામાન્ય રીતે સ્થાપના દિનની ઉજવણી મહાપાલિકા દ્વારા જાજરમાન રીતે કરવામાં આવતી હોય છે. બોલીવુડના ખ્યાતનામ કલાકારની સંગીત સંધ્યા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે વૈશ્ર્વિક મહામારી કોરોનાના કારણે સ્થાપના દિનની જાજરમાન ઉજવણી કરવામાં આવશે નહીં. માત્ર કોર્પોરેશનની ઝોન કચેરીને શણગારવામાં આવશે.
આગામી વર્ષોેમાં રાજકોટમાં અબજો રૂપિયાનું રોકાણ થાય તેવી સંભાવના વિશ્ર્વની ખ્યાતનામ એજન્સીઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે. કોર્પોરેશન બન્યા બાદ રાજકોટના સીમાડા સતત વધી રહ્યાં છે. 96-97માં રૈયા, મવડી અને નાના મવાનો મહાપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 2015માં કોઠારીયા અને વાવડીને કોર્પોરેશનની હદમાં સમાવી લેવામાં આવ્યા છે. જ્યારે તાજેતરમાં મોટામવા, મુંજકા, માધાપર, ઘંટેશ્ર્વર અને મનહરપુરા પાર્ટ-1નો મહાપાલિકામાં સમાવેશ કરાયો છે.
સૌરાષ્ટ્રના કોઈપણ ખુણે વસતા વ્યક્તિના દિલમાં એક ઈચ્છા ચોક્કસ હોય છે કે, રંગીલા તરીકેની છાપ ધરાવતા રાજકોટમાં પોતાનું એક ઘરનું ઘર હોય. સ્માર્ટ સિટીના સીમાંડા અને વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે જેની સામે મહાપાલિકા પણ લોકોને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે રાઉન્ડ ધ કલોક મહેનત કરી રહી છે. 49 વર્ષના મહાપાલિકાના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો આ સાડા ચારથી પણ વધુ દાયકાના સમયગાળામાં મોટાભાગે કોર્પોરેશનમાં ભાજપે જ રાજ કર્યું છે. 2001 થી 2005 સુધીના 5 વર્ષના સમયગાળામાં એકવાર રાજકોટવાસીઓએ સત્તાનું સુકાન કોંગ્રેસના હાથમાં આપ્યું હતું. મહાપાલિકાનો એવો પણ એક ઈતિહાસ છે કે, સામાન્ય કે, પેટા ચૂંટણીમાં એકપણ વાર ભાજપ-કોંગ્રેસ સીવાયના અન્ય પક્ષ કે અપક્ષના ઉમેદવાર ક્યારેય જીતી નગર સેવકનું બિરુદ હાંસલ કરી શકયા નથી.
આ શહેરમાં રહેવાનો આનંદ જ કંઈક ઔર છે. આગામી દિવસોમાં મહાપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે સ્માર્ટ સિટી જ્યારે અર્ધ સદી તરફ આગેકુચ કરી રહ્યું છે ત્યારે શહેરને વધુ વિકસીત કરવા માટે સત્તાની ચાવી રંગીલા રાજકોટવાસીઓ કોના હાથમાં આપે છે તે પણ જોવાનું રહ્યું.