1993માં મુંબઈને હચમચાવી નાખનાર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો મામલે આજે અબુ સાલેમને સજાની જાહેરાત થવાની છે.  આ મામલે 24 વર્ષ પછી વિશેષ ટાડા કોર્ટ 5 દોષિતોને સજાનું એલાન કરી રહી છે જેમાં અબુ સાલેમ પણ સામેલ છે. 12 માર્ચ 1993ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા હતાં અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતાં. આ વિસ્ફોટોમાં લગભઘ 27 કરોડ રૂપિયાની સંપત્તિ નષ્ટ થઈ હતી. આ મામલે 16 જૂન 2017ના રોજ ન્યાયધીશ જીએ સનપે અબુ સાલેમ, મુસ્તફા ડોસા, કરીમુલ્લાહ ખાન, ફિરોઝ અબ્દુલ રશીદ ખાન, રિયાઝ સિદ્દીકી અને તાહિર મર્ચન્ટને વિસ્ફોટોના ષડયંત્ર રચવા માટે દોષિત ગણ્યા હતાં જ્યારે એક અન્ય આરોપી અબ્દુલ કયુમને આ મામલે છોડી મૂકાયો હતો. જજે સજા સંભળાવવાનું શરૂ કરી દીધુ છે.

ટાડા કોર્ટે કોને કેટલી સજા ફટકારી?

કરીમુલ્લાહ ખાનને ઉમરકેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ થયો, હથિયાર સપ્લાયમાં દોષિત ઠર્યો હતો.

દોષિતોને સજા કેટલી થાય તેના પર થયેલી દલીલો દરમિયાન સરકારી વકીલ દીપક સાલ્વીએ ડોસા, કરીમુલ્લાહ ખાન, ફિરોઝ ખાન અને તાહિર મર્ચન્ટને મૃત્યુદંડ અને સિદ્દીકીને આજીવન કેદની સજાની માગણી કરી હતી. સાલ્વીએ કહ્યું હતું કે આમ તો અપરાધ જોઈએ તો સાલેમને પણ ફાસીની સજા થવી જોઈએ પરંતુ સરકારી વકીલ એવી માગણી કરી શકે નહીં કારણ કે ભારતીય પ્રત્યાર્પણ એક્ટ તેમાં આડે આવે છે. આ એક્ટની કલમ 34(સી) મુજબ જે પણ દેશમાંથી આરોપીને પ્રત્યાર્પિત કરવામાં આવે તેને ફાંસી આપી શકાય નહીં. સાલ્વીના જણાવ્યાં મુજબ જો કે સાલેમને આજીવન કારાવાસની સજા જરૂર આપી શકાય.

સજા સંભળવવાનો આ બીજો મામલો હશે. પહેલો મામલો 2007માં પૂરો થયો હતો. જેમાં 100 આરોપીઓને દોષિત માનવામાં આવ્યાં હતાં જેમાં યાકુબ મેમણ અને બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ સામેલ હતાં. યાકુબને ગત વર્ષે ફાંસી આપવામાં આવી હતી. સાલેમ અને અન્ય વિરુદ્ધ અલગ અલગ કેસ ચલાવવામાં આવ્યાં હતાં કારણ કે આ આરોપીઓ પાછળથી પકડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.