- રેડિયો સીલોનને ટક્કર આપવા જ ભારતમાં વિવિધ ભારતીની શરૂઆત થઇ: રાજ્યમાં 1939માં વડોદરામાં રેડિયો સ્ટેશન થયું શરૂ: 1949માં અમદાવાદ ખાતે અનેે 1955માં રાજકોટ ખાતે ત્રીજા કેન્દ્રની શરૂઆત થઇ
- વર્ષો પહેલા કે આજે મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ–સુલભ શ્રાવ્ય માધ્યમ રેડિયો છે: સેટેલાઇટ, સામુદાયિક, બ્રોડબેન્ડ, કેપસ, એફએન અને એએન રેડિયોના રૂપે મનોરંજન કરે છે: આજે તો મોબાઇલમાં લોકો રેડિયો સાંભળ છે
આજનો દિવસ એટલે સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની જન્મ તારીખ. આ દિવસે જ વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઇ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘે પ્રથમવાર 2012નાં રોજ પ્રથમ વિશ્વ રેડિયો દિવસ ઉજવ્યો હતો. 1900ના વર્ષમાં ગુલ્યેલ્મો માર્કોનીને પ્રથમ રેડિયો સંદેશ મોકલવામાં સફળતા મળી હતી. દુનિયામાં સૌ પ્રથમવાર એક વ્યક્તિગત રેડિયો સંદેશ ઇંગ્લેન્ડથી અમેરિકા મોકલાયો હતો. કોઇપણ તાર વગર ખુલ લાંબા અંતરે સંદેશ મોકલવાની શોધક માર્કોનીની દુનિયાને ભેંટ હતી. 1906માં 24 ડિસેમ્બરે કેનેડાના વિજ્ઞાનીક રેગિનાલ્ડ હેસેન્ડેને વાયોલિનનો કાર્યક્રમ રજુ કર્યો હતો. 1920માં નૌ સેનાના રેડિયો સ્ટેશનની શરૂઆત થઇ હતી. થોડા જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખુલી ગયા હતા.
જુન 1923માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પ્રથમ ખાનગી રેડિયો સ્ટેશન શરૂ થયું હતું, બાદ નવેમ્બર 1923માં કલકત્તા રેડિયો ક્લબની સ્થાપના થઇ હતી. 1927માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની શરૂ થઇ, જે ત્રણ વર્ષ બાદ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગમાં રૂપાંતરીત થઇ હતી. 1935માં લિયોનેલ ફીલ્ડેનને દેશના પ્રથમ પ્રસારક નિયંત્રક બનાવાયા હતા. આજ ગાળાના મૈસુરમાં ‘આકાશવાળી’ નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ થયું હતું, જો કે એક વર્ષ બાદ બધા ખાનગી રેડિયો સ્ટેશનનું રાષ્ટ્રીયકરણ કરી નાખતા ‘ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના થઇ હતી. આઝાદી પછી 1956 તેનું નામ બદલીને ‘આકાશવાણી’ રાખવામાં આવેલ.
યે આકાશવાણી હે…..આ શબ્દો આજે પણ યાદ આવે છે. રેડિયાનો એક યુગ હતો, તે હોવું સ્ટેટ્સ ગણાતું. રેડિયો ઉપર આવતા વિવિધ કાર્યક્રમો સાથે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ખૂબ જ મનોરંજન આપતા હતા. નાટકો, સમાચાર, લોકગીતો, ભજનો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર સાથે ક્રિકેટ મેચની કોમેન્ટરી સાંભળવાની લોકોમાં ભારે ઉત્સાહ અને જુસ્સો ભરી દેતા હતા. એ જમાનામાં રેડિયોની ઓળખ ક્રિકેટ કોમેન્ટરી અને જુના ગીતોથી થવા લાગી હતી. પાડોશી દેશ શ્રીલંકાએ પણ રેડિયો સિલોનના માધ્યમથી દેશની જનતાના માનસપટ પર રાજ કરેલ હતું. રેડિયોમાં સિલોન સ્ટેશન પકડવુંએ પણ એક આવડત ગણાતી હતી. ‘બિનાકા ગીતમાલા’થી અમિન સાયાની તેના બ્રાંડ બની ગયા હતા. તેમનો અવાજ જ ઓળખ બની ગઇ હતી. તેને ટક્કર આપવામાં જ ભારતમાં વિવિધ ભારતીની શરૂઆત થઇ હતી.
1939માં વડદરાના રાજવી ગાયકવાડે પ્રથમ રેડિયો સ્ટેશન શરૂ કરેલ જે બાદમાં સરકારને સોંપી દીધેલ હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે કોઇ મનોરંજનનું સાધન ન હતું. તે સમયમાં 1955માં દુલાભાયા કાગ, જયમલ્લ પરમાર, તત્કાલિન મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરના પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો.
લોકો મન ભરીને રેડિયો સાંભળતા હતા. 1940થી 1970 સુધી રેડિયોના મહત્વ સાથેનો સુવર્ણ યુગ હતું. સ્ટેશન શરૂ થવાનું સંગીત આજે પણ આપણને યાદ આવે છે. જુના ગીતો એટલા બધા રેડિયોમાં સાંભળ્યા છે કે આજે પણ યાદ રહી ગયા છે. જમી પરવારીને રાત્રે બધા ગીતો સાંભળતા હોય. છાયા ગીત, ફૌજીભાઇઓ કે કાર્યક્રમ, હવા મહલ, ધીમી ગતિના સમાચાર જેવા વિવિધ કાર્યક્રમોનો સમય થાય એ પહેલા બધા સાંભળવા બેસી જતા હતા. આકાશવાણી દ્વારા દેશના 92 ટકા ભૌગોલિક એરીયાને આવરી લેવાયો છે અને દેશની 99 ટકા કરતા વધુ જન સંખ્યા તેનો લાભ લે છે. હાલમાં દેશમાં 400 જેટલા રેડિયો સ્ટેશન કાર્યરત છે, જેમાં દેશની 23 જેટલી ભાષા અને 179 જેટલી લોક બોલીના વિવિધ કાર્યક્રમનું પ્રસારણ કરાય છે.
રેડિયો ઉપર ફરમાઇશ મોકલવાનો પણ એક શોખ હતો. દેશનાં બે ગામ ઝુમરી તલૈયા અને રાજનંદ ગામના લોકો હાથમાં રેડિયો લઇને ફરતા જોવા મળે છે, ગમે તે કાર્યક્રમ હોય એમાં આ બે ગામના શ્રોતાની ફરમાઇશ અચુક હોય. આ રેડિયોના રોચક અને રોમાંચકારી કિસ્સા સાંભળવા હોય તો વડિલ પાસે જવું જ પડે. રેડિયો પ્રારંભે ધનીકોનું પ્રતિક ગણાતું હતું. રેડિયો સાંભળવા લોકોની ભીડ થતી હતી. પાનની દુકાન, હોટલ કે ચોકમાં લોકોની ગીતો સાંભળવા ભીડ જોવા મળતી. રેડિયોમાં ક્રિકેટ કોમેન્ટરી સાંભળીને કાળા પાટીયામાં સ્કોરબોર્ડ લખતાં, ત્યાં લોકો સ્કોર જોવા આવતાં. ભારતમાં રેડિયોનો વર્ષો જૂનો ટ્રેન્ડ, આપણાં વડાપ્રધાને પણ ‘મન કી બાત’ થકી આ પ્રણાલીને જીવંત રાખી છે. રેડિયોના જૂના જમાનામાં તેના અબજોમાં ફેન્સ હતા. ભૂકંપ, પુર કે હોનારત સાથે બીજી જરૂરી માહિતીની સુચના રેડિયો દ્વારા જ મળતી હતી.
આજની યુવા પેઢીને વાલવાળા રેડિયો મોડલ જોયા જ નથી. એક જમાનામાં તેના પણ લાયસન્સ હતા. આજે પણ ઘણા લોકો એવા છે, જે તેના ચોક્કસ મોડેલના જ ગમતાં રેડિયોમાં નિયમિત ગીતો સાંભળે છે. ટેલિવિઝન અને મોબાઇલ યુગ આવતાં હવે રેડિયોનો પહેલા જેવો ઉપયોગ નથી, પણ ઇન્ફરર્મેશન ટેકનોલોજીના કારણે આજે પણ આપણે કાર કે મોબાઇલમાં એફએમ રેડિયો તો સાંભળતા હોય છીએ. આ વર્ષની ઉજવણી થીમ રેડિયો: અ સેન્ચ્યુરી ઇન્ફોર્મિંગ, એન્ટરટેઇનિંગ અને એજ્યુકેટિંગ. રેડિયોનો ઇતિહાસ અને સમાચાર, નાટક, સંગીત અને રમતગમત પર તેની શક્તિશાળી અસરને પ્રકાશિત કરે છે. તે કટોકટી અને પાવર આઉટેજ સમયે પોર્ટેબલ જાહેર સલામતી જાળ તરીકે રેડિયોના ચાલુ વ્યવહારૂં મુલ્યને પણ ઓળખે છે. રેડિયોનો ઇતિહાસ 100 વર્ષને પાર કર્યો છે, તેથી તે માધ્યમના વ્યાપક ગુણો સાથે પેક્ષકો અને આવકના સ્ત્રોત ઘટવાના કારણો જેવા પડકારોનો સામનો કરે છે. ડિજિટલ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા, ડિજિટલ અને જનરેશન ડિવાઇડ્સ, સેન્સરશીપ જેવી બદલાતી દુનિયામાં તેનું અસ્તિત્વ ઘટ્યું છે. આજે ઇનબિલ્ટ ગીતો વાળા રેડિયોનો પણ એક યુગ છે, જેમાં તમે માંગો તે મળી જતા હોય છે. આ દિવસનો હેતુ રેડિયો સ્ટેશનોને, તેના માધ્યમોને માહિતી એક્સેસ પ્રદાન કરવા અને બ્રોડ કાસ્ટર્સ વચ્ચે નેટવર્કીંગ અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે.
લોક હૃદ્ય સાથે જોડાયેલો ‘રેડિયા’ સદાકાળ સદાબહાર
લોકોના દિલમાં વસતા રેડિયોના રંગરૂપ અને તરંગો બદલાયા, પણ આજે પણ શહેરથી લઇ અંતરિયાળ વિસ્તારમાં તે શ્રોતાઓ માટે મનોરંજનનું શ્રેષ્ઠ સાધન છે. આજથી ચાર દાયકા પહેલા રાત્રે અગાસીએ સુતા સુતા ‘છાયા ગીત’ કાર્યક્રમ લગભગ બધા સાંભળતા હતા. લોક હૃદ્ય સાથે જોડાયેલો ‘રેડિયો’ સદાકાળ, સદાબહાર ગણાય છે. ‘રેડિયો’ સિલોન ઉપર સવારે 7 વાગે ‘જાને પહચાને’ કાર્યક્રમમાં શ્રેષ્ઠ જુના ગીતો આવતા, તો વિવિધ ભારતી ઉપર ‘આજ કે ફનકાર’માં એક ગાયક કલાકારના ગીતો આવતા ત્યારે તન–મનમાં આનંદ છવાય જતો હતો. આજના સમયમાં હવે રેડિયો ઓછા લોકો સાંભળે છે, તેનું અસ્તિત્વ હતું ન હતું થઇ ગયું છે.