ભારતીય માછીમારોનો કબ્જો લેવા 8 ફીશરીઝ અધિકારીઓ વાઘા સરહદે જશે
પાકિસ્તાનની જેલમાં કેદ 653માંથી 199 ભારતીય માછીમારોને કેદ મુક્ત કરી રહ્યું છે. તેનો કબ્જો લેવા 8 ફીશરીઝ અધિકારીઓની ટીમ જરૂરી રેકર્ડ સાથે વાઘા સરહદે જઇ રહી છે.
જ્યાં આ ભારતીય માછીમારોને કરાંચી જેલમાંથી 12 મે એ છોડવામાં આવશે. જે તા.13ના રોજ અમૃતસર પાસે આવેલ વાઘા-અટારી રેલ્વે સ્ટેશને લવાશે. જેઓની ભારતીય સુરક્ષા એજન્સી તપાસ-પુછપરછ-વેરીફીકેશન કર્યા બાદ ત્યાંથી રાત્રીની ટ્રેનમાં 14 મે નીકળી 15મી મેએ સાંજ સુધીમાં વેરાવળ બસ દ્વારા પહોંચશે.
અમૃતસરથી ટ્રેન બરોડા સુધી અને બરોડાથી વેરાવળ સુધી ખાસ બસોમાં તેમને માદરે વતન વેરાવળ ફીશરીઝ કચેરી ખાતે લાવવામાં આવશે. વેરાવળ દાખલ થતા પહેલાં તેઓનું ગીર-સોમનાથ પોલીસ વિભાગ દ્વારા વેરીફીકેશન અને પુછપરછ કરાયા બાદ જ ફીશરીઝ કચેરીએ તેના સગા-વ્હાલાઓને જરૂરી નોંધ લઇ સોંપણી કરવામાં આવશે. સમગ્ર કાર્ય અંગે ફીશરીઝ વિભાગના નયનભાઇ મકવાણા તથા વિમલ પંડ્યા, કે.એમ.સીકોતરીયા સહિત સમગ્ર સ્ટાફ ખડેપગે તૈયારીઓમાં વ્યસ્ત છે. અમૃતસરથી છેક વેરાવળ સુધી પોલીસ બંદોબસ્ત પણ સાથે રહેશે.
પાક.ની જેલમાંથી મુક્ત થતા ભારતીય માછીમારોને કરાંચીની જેલથી લાહોર લઇ જવાશે અને લાહોરથી આ કેદીઓને વાઘા બોર્ડરે પહોંચાડાશે. તા.12મે એ આ માછીમારોને મુક્ત કરી દેવાશે. એમ પણ કહેવાય છે કે પાકિસ્તાન સરકાર ત્રણ ચરણોમાં 500 કેદીઓને મુક્ત કરી રહ્યું છે.
જેમાં પ્રથમ ચરણ 12 મે 199, બીજી મુક્તિ 2 જૂન 200 અને ત્રીજી અંતિમ મુક્તિ 7 જુલાઇએ 100 ભારતીય માછીમારો મુક્ત થશે. 12 મે એ 199 ઉપરાંત 1 સીવીલીયન પ્રીઝનર પણ મુક્ત થશે.