- રાજ્યમાં IPS અધિકારીઓની મંજૂર થયેલી 208 જગ્યાઓ પૈકી 198 જગ્યાઓ ભરાયેલી છે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
- રાજ્યને ફાળવવામા આવેલા IPS અધિકારીઓમાં 34 મહિલા IPS અધિકારીઓનો સમાવેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહિલાઓને વિશેષ જવાબદારી આપવામાં આવી રહી છે: પોલીસ ભરતી બોર્ડ, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, અમદાવાદ સાયબર ક્રાઈમ જેવી અનેક મહત્વની જગ્યાઓ પર મહિલા આઇપીએસ અધિકારી જવાબદારી નિભાવી રહ્યા છે
રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.31મી ડિસેમ્બર 2024ની સ્થિતિએ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની કુલ 208 જગ્યાઓ મંજૂર થયેલી છે. તે પૈકી 198 જગ્યાઓ ભરાયેલી છે અને 10 જગ્યાઓની ઘટ છે. તેમાં પણ ગત મહિને એક જગ્યા ભરાતા હવે ૯ જગ્યાઓની ઘટ છે. બાકી રહેલી જગ્યાઓ પણ ઝડપથી ભરી દેવામાં આવશે.
રાજ્યના કેટલા આઇ.પી.એસ. અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે તે સંદર્ભે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ ઉમેર્યું કે, કેન્દ્રીય નીતિ મુજબ રાજ્યમાંથી 45 આઇ.પી.એસ. અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હોય શકે તેની સામે ગુજરાત રાજ્યમાંથી માત્ર ૨૪ જ આઇ.પી.એસ. અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર છે.
રાજ્યમાં મહિલા આઇ.પી.એસ. અધિકારીઓની સંખ્યા અને તેમને આપવામાં આવતી જવાબદારીમાં ભેદભાવના આક્ષેપ અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં મહિલાઓને વિશેષ જવાબદારી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં પોલીસ ભરતીની સમગ્ર પ્રક્રિયા કરવાની મહત્વની કામગીરી એક મહિલા આઇ.પી.એસ. અધિકારી ડૉ.નીરજા ગોટરું સાંભળી રહ્યા છે. ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીની મહત્વની જવાબદારી એક મહિલા આઇ.પી.એસ. અધિકારી નિપુણા તોરવણે સાંભળી રહ્યા છે. તે ઉપરાંત 3 હજાર કિમી દૂરથી ગુજરાતના સીસીટીવી હેક કરનાર લોકોને ગણતરીના કલાકમાં શોધી લેનાર પણ અમદાવાદ સાયબર ક્રાઇમના મહિલા આઇપીએસ અધિકારી ડૉ.લવીના સિન્હા છે. તે ઉપરાંત જિલ્લાઓમાં ડી.એસ.પી સહિતની મહત્વની જગ્યાઓ પર મહિલા આઇપીએસ અધિકારી જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાત રાજ્યને ફાળવવામા આવેલા આઇ.પી.એસ. અધિકારીઓ પૈકી મહિલા આઈ.પી.એસ. અધિકારીઓની સંખ્યા 34 છે.