મોડી રાતે પડેલા વરસાદે તબાહી સર્જી, પીજીવીસીએલને ફરી એક વાર મોટું નુકસાન
સૌથી વધુ જામનગરમાં 1120 વીજપોલ અને રાજકોટમાં 620 વીજપોલ ડેમેજ : 431 ફીડરો બંધ થયા : મોડીરાતથી વીજકર્મચારીઓ વીજપુરવઠો પુરર્વત કરાવવા ઊંધામાથે
મોડી રાતે પડેલા વરસાદે તબાહી સર્જી છે. જેને કારણે પીજીવીસીએલને ફરી એક વાર મોટું નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 1932 પોલ ધરાશાયી થયા છે. જ્યારે 149 ગામોમાં વીજળી ગુલ થઈ હતી. કુલ 431 ફીડરો બંધ થઈ ગયા હતા. બીજી તરફ મોડી રાતથી જ વીજ કર્મચારીઓ કામે લાગી ગયા હતા અને વીજપુરવઠો પુરર્વત કરાવવા ઊંધામાથે થયા હતા. સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે રાતથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચ્યું છે.
રાજકોટ ગ્રામયમાં 620 પોલ, પોરબંદરમાં 93, જૂનાગઢમાં 65, જામનગરમાં 1120, ભુજમાં 28 અને સુરેન્દ્રનગરમાં 6 મળી કુલ 1032 વીજપોલ ધરાશાયી થયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યના 11 જ્યોતિગ્રામ- 13 એગ્રીકલ્ચર, મોરબીમાં 26 એગ્રીકલ્ચર, પોરબંદરમાં 1 જ્યોતિગ્રામ- 11એગ્રીકલ્ચર, જૂનાગઢમાં 2 જ્યોતિગ્રામ- 23 એગ્રીકલ્ચર, જામનગરમાં 10 જ્યોતિગ્રામ- 167 એગ્રીકલ્ચર, ભુજમાં 1 જ્યોતિગ્રામ- 32 એગ્રીકલ્ચર, અંજારમાં 9 જ્યોતીગ્રામ, ભાવનગરમાં 2 જ્યોતિગ્રામ- 44 એગ્રીકલ્ચર, બોટાદમાં 5 જ્યોતિગ્રામ- 52 એગ્રીકલ્ચર, અમરેલીમાં 6 જ્યોતીગ્રામ અને સુરેન્દ્રનગરમાં 16 એગ્રીકલ્ચર મળી
38 જ્યોતીગ્રામ અને 393 એગ્રીકલ્ચર એટલે કે કુલ 431 ફીડર બંધ થયા હતા. બીજી તરફ રાજકોટ ગ્રામ્યમાં 48 ગામ, પોરબંદરમાં 2 ગામ, જૂનાગઢમાં 10 ગામ, જામનગરમાં 39 ગામ, ભાવનગરમાં 20 ગામ, બોટાદમાં 18 ગામ અને અમરેલીમાં 12 ગામ મળી કુલ 149 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચ્યું હોય મોડી રાતથી જ વીજકર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
શહેરમાં 37 ફીડરો બંધ થતા અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ, ફરિયાદોનો ધોધ
રાજકોટમાં ગત રાત્રે 12 વાગ્યા બાદ વરસાદ તૂટી પડયો હતો.જેના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. મોટી ટાંકી ચોક, જાગનાથ, ઉપલા કાંઠો, વેસ્ટ ઝોન વિસ્તારના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો. પીજીવીસીએલ ઉપર ફરિયાદનો ધોધ પણ વરસ્યો હતો. શહેરમાં રરપ માંથી કુલ 37 ફીડરોમાં લાઇટો ગૂલ થઈ હતી. જેમાં જેમાં ગણેશ ફીડર,જંગલેશ્વર ફીડર, દૂરદર્શન ફીડર, આરટીઓ ફીડર, રાજપૂતપરા ફીડર, થોરાળા ફીડર, માર્કેટિંગ યાર્ડ ફીડર, લાતી પ્લોટ ફીડર, ગોપાલનગર ફીડર, ગાયકવાડી ફીડર, હોસ્પિટલ ફીડર, જંકશન ફીડર, માલવીયા ફીડર, આવાસ યોજના ફીડર, રેલનગર ફીડર, સ્ટેશન પ્લોટ ફીડર, માર્વેલ ફીડર, વિરાટ ફીડર, લોર્ડ્સ ફીડર, ધારા ફીડર, ગૌતમનગર ફીડર, નવાગામ ફીડર, નક્ષત્ર ફીડર, અયોધ્યા ફીડર, સાધુવાસવાણી ફીડર, પ્રદ્યુમન નગર ફીડર,ઉપવન ફીડરનો સમાવેશ થાય છે. મોડી રાતથી જ પીજીવીસીએલ દ્વારા સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે હાલ સુધી ચાલુ જ છે.