ગામડાઓ ખુંદી મતદારોને રીઝવવાનો પ્રયાસો: ચૂંટણી પ્રચારનો ધમધમાટ સાથે રાજકારણમાં ગરમાવો
અબતક, જામનગર
જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ફોર્મની ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચિત્ર સ્પષ્ટ થતાં 161 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1900 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જેમાં સરપંચ પદ માટે 295 અને સભ્યપદ માટે 1605 મુરતિયાનો સમાવેશ થાય છે. કુલ 2363 માંથી 2343 ઉમેદવારી પત્ર માન્ય રહ્યા હતાં. 330 ફોર્મ પરત ખેંચાયા હતાં. મતદારોને રીઝવવા ગામડાઓમાં ઉમેદવારો દ્વારા પૂરજોશમાં પ્રચારથી ઠંડીમાં ગ્રામ્ય રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ચૂંટણીમાં આગામી 19 ડીસેમ્બરના મતદાન થશે.
જામનગર જિલ્લામાં 34 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ એટલે કે સમરસ થઇ છે. જેમાં જામનગર તાલુકાની કનસુમરા, કોંઝા, ખંભાલીડા નાનોવાસ, બાલંભડી, સૂર્યપરા, હાપા, તમાચણ, ચાંપા બેરાજા, બાડા, મકવાણા, મોડા, કાલાવડ તાલુકાની રાજસ્થળી, સાવલી, હસ્થળ, રાજડા, સરવાણીયા, લાલપુર તાલુકાની ગોદાવારી, મીઠોઇ, સેવકધુણીયા, નાના લખીયા, ખડ ખંભાળિયા, રક્કા, જામજોઘપુરની વાંસજાળીયા, પરડવા, કાતડા, બીજલકા, વાંકિયા, ગોલીટા, જોડિયા તાલુકાની અંબાલા, કોઠારિયા, બાલાચડી, માનપર, રણજીતપર અને ટીંબડી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. આમ, જામનગર તાલુકાની 38માંથી 11, કાલાવડ તાલુકાની 29માંથી 5, લાલપુર તાલુકાની 30માંથી 6, જામજોધપુર તાલુકાની 32માંથી 2, ધ્રોલ તાલુકાની 16માંથી 4 અને જોડિયા તાલુકાની 16માંથી 6 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરિફ થઈ છે. આથી જિલ્લાની 161 ગ્રામ પંચાયતમાં ચૂંટણી માટે 19 ડિસેમ્બરના મતદાન થશે. ગ્રામ્ય વિસ્તારમાં સંબંધિત ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર પણ ધીરે ધીરે શરૂ કરાઈ રહ્યો છે.જામનગર તાલુકાની 16, કાલાવડની 41, લાલપુરની 16, જામજોધપુરની 12, ધ્રોલની 9 અને જોડિયા તાલુકાની 11 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે 38 અને સભ્ય પદ માટે 42 ફોર્મ ભરાયા હતાં. જે પૈકી ફોર્મની ચકાસણીમાં એકપણ ફોર્મ ભરાયું ન હતું. જયારે 11 ફોર્મ પરત ખેંચાયા હતાં. આથી પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે 23 અને સભ્ય પદ માટે 9 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 128 ગ્રામ પંચાયતમાં ચૂંટણી પ્રચારના મંડાણ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકામાં 128 ગ્રામ પંચાયતોની આગામી 19મી ચૂંટણી યોજાનાર છે. જેમાં 341 સરપંચ પદ અને 2013 ઉમેદવારો સભ્યપદ માટે મેદાને ઉતર્યા છે. જિલ્લાની 28 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 2,99,393 મતદાર સંખ્યા છે. જેમાં 154863 પુરૂષ મતદારો અને 144525 સ્ત્રી મતદારો તેમજ 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાની પીર લાખાસર અને ભટ્ટગામ સહિત 28 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે.