વિશ્વાસુ કારીગર ૨૭ કિલો ચાંદી લઈને પલાયન થઈ જતાં બી ડિવિઝનમાં નોંધાતી ફરિયાદ
રાજકોટમાં સોની વેપારીઓનું સોનું અને ચાંદી તેના જ કારીગરો લઈને પલાયન થઈ જતાં હોવાના બનાવી હવે તો રોજિંદા બનવા પામ્યા છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવેલી છે.જેમાં કુવાડવા રોડ પર રહેતા અને અને ઘર પાસે જ ચાંદીના ઘરેણા વેચવાનું કામ કરતા વેપારીને ત્યાં નોકરી કરતો કારીગર તેનું ૨૭ કિલો ચાંદી જેની કીમત રૂ.૧૯ લાખનું લઈને પલાયન થઈ જતાં તેને બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગતો મુજબ શહેરમા કુવાડવા રોડ પરના અલ્કા પાર્ક શેરી નં-૧ માં રહેતા અને ઘર પાસેજ અક્ષર નામની પેઢીમાં ચાંદીના ઘરેણા વેચવાનું કામ કરતા મુરલીધર હરકિશનભાઈ સોનીએ બી-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપમાં ભાવેશ લાધાભાઈ ગઢીયા (રહે. શાનદાર રેસીડેન્સી, કોઠારીયાર રોડ)નું નામ આપ્યું હતું જેમાં ફરિયાદમાં મુરલીધરભાઈએ જણાવ્યું છે કે છેલ્લા સાતેક માસથી આરોપીને ઘરેણા બનાવવા માટે ચાંદી આપતા હતા. છેલ્લા સાત માસ દરમ્યાન ૩૦ થી ૪૦ વખત આરોપી ચાંદી લઈ ગયો હતો અને તેના ઘરેણા બનાવી આપી વિશ્વાસ સંપાદન કરી લીધો હતો. કટકે કટકે આરોપીને ચાંદી આપી હતી. જેમાંથી આરોપીએ અંદાજે ૨૭ લાખની ચાંદીના દાગીના આપ્યા ન હતા. ગઈ તા.૧૪ એપ્રિલના રોજ ઉઘરાણી કરતા સાંજે માલ આપી દેવાનું કહ્યું હતું.
સાંજે પણ માલ પરત આપ્યો ન હતો. ત્યારબાદ આરોપીએ અચાનક પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખતા શંકા ગઈ હતી. બીજા દિવસે ઘરે તપાસ કરતા આરોપી મળ્યો ન હતો. તેની પત્ની ભાનુબેને કહ્યું કે તેનો પતિ ગઈકાલથી કયા જતો રહ્યો છે આ રીતે છેતરાઈ ગયાનો અહેસાસ થતા આરોપી વિરૂધ્ધ અરજી કરી હતી. જેના આધારે આજે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.