આજે સાંજે માછીમારો વેરાવળ પહોંચશે: વડોદરામાં મંત્રી રાઘવજીભાઈ પટેલે તમામને આવકાર્યા
પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોના એક સમુહને મુક્ત કરવામાં આવતા તે વાઘા બોર્ડરથી વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.
પકડાયેલા માછીમારોની ઓળખ પ્રસ્થાપિત કરીને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા રાજ્ય સરકાર મારફત વિદેશ મંત્રાલયને યાદી મોકલવામાં આવે છે. જેના આધારે એમ્બેસી મારફત તેના વેરિફિકેશન કરવામાં આવે છે. હવે, આ માછીમારો વાઘા બોર્ડર ઉપર આવે ત્યારે ફરી તેનું વેરિફિકેશન કરવામાં આવે છે. આટલું જ નહીં, તેના આરોગ્યની તપાસણી પણ કરવામાં આવે છે. બાદમાં તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે છે.
હાલમાં છૂટેલા આ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા. તેમના માટે ખાસ બે ડબ્બાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલ્વે સ્ટેશન ખાતે મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત ધારાસભ્ય કેયુરભાઇ રોકડિયા, ચૈતન્યભાઇ દેસાઇ, અગ્રણી ડો. વિજયભાઇ શાહ, કલેક્ટર અતુલ ગોર, મત્સ્ય ઉદ્યોગ કમિશનર નીતિન સાંગવાન, અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા દ્વારા માછીમારોનું હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
મુક્ત થયેલા સાગરખેડૂઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બાદમાં તેમને નાસ્તો કરાવી ચાર ખાનગી બસો મારફત ગિરસોમનાથ તરફ રવાના કરવામાં આવ્યા હતા.