- ગુજરાત એટીએસ અને એનસીબીનું ભોપાલમાં જોઈન્ટ ઓપરેશન
- મુખ્ય સૂત્રધાર સનયાલ બાને અને અમિત ચતુર્વેદી સહિત સાતની ધરપકડ
ગુજરાત એટીએસના અધિકારીઓએ શનિવારે ભોપાલ જીઆઇડીસીમાં નાર્કોટીંક્સ કંટ્રોલ બ્યુરોના દિલ્હી યુનિટ સાથે દરોડો પાડીને એમ ડી ડ્રગ્સ તૈયાર કરતી ફેક્ટરીમાંથી એમડી ડ્રગ્સનો રૂપિયા 1819 કરોડનો જથ્થો જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ દરોડો ગુજરાત એટીએસના અધિકારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવ્યો હતો. જેના આધારે આશરે દોઢ મહિના સુધી સર્વેલન્સ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
એન્ટી ટેરેરીઝમ સ્ક્વોડ- ગુજરાતના ડીવાયએસપી એસ એલ ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે ભોપાલમાં આવેલા બગરોડા જીઆઇડીસી સ્થિત એક મેડીસીન મેન્યુફેક્ચરીંગ યુનિટની આડમાં અમિત ચતુર્વેદી અને સનયાસ બાને નામના વ્યક્તિ મોટાપ્રમાણમાં મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ તૈયાર કરવાનું કામ કરે છે. જે બાતમીને આધારે દિલ્હી એનસીબીની ટીમ સાથે મળીને શનિવારે દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં અમિત ચતુર્વેદી (રહે.કોટરા, સુલતાનબાદ રોડ, ભોપાલ) અને સનયાલ પ્રકાશ બાને (રહે. પ્રભુ એટન્લાટીસ,નાસીક) ઉપરાંત, પાંચ કામદારો મળી આવ્યા હતા.
અધિકારીઓ તપાસ કરતા ત્યાંથી એમ ડી ડ્રગ્સ તૈયાર કરવા માટેનું મટીરિયલ અને 907 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે લીક્વીડ અને સોલીડ ફોર્મમાં હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 1819 કરોડ રૂપિયા હતી. આ અંગે એટીએસના ડીઆઇજી સુનિલ જોષીએ જણાવ્યું હતું કે સનયાલ બાને વર્ષ 2017માં અંબોલી પોલીસ સ્ટેશનની હદમાંથી એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે પકડાયો હતો. જે કેસમાં તેને પાંચ વર્ષની સજા થઇ હતી. જેલમાંથી છુટયા બાદ તેણે અમિત ચતુર્વેદીને મળીને દવાની ફેક્ટરીની આડમાં એમડી ડ્રગ્સ તૈયાર કરવાની યોજના બનાવી ફેક્ટરી શરૂ કરવા સાત મહિના પહેલા 2500 વારની જગ્યા ધરાવતો શેડ ભાડે લીધો હતો અને ચાર મહિના પહેલા એમડી તૈયાર કરવા માટેનું રો મટિરીયલ મોટાપાયે ખરીદીને ડ્રગ્સ તૈયાર કરવાનું શરૂ કર્યું હતું.
જેની ક્ષમતા સપ્તાહમાં 50 કિલો સુધી ડ્રગ્સ તૈયાર કરવાની હતી. પ્રાથમિક તપાસમાં તેમણે મહારાષ્ટ્ અને મધ્યપ્રદેશમાં કેટલાંક ડ્રગ્સ માફિયાઓને એમ ડી ડ્રગ્સનો મોટો જથ્થો તબક્કાવાર સપ્લાય કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે એટીએસના અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી છે.
ન હોય… છ માસમાં એટીએસની ટીમે ડ્રગ્સની સાત ફેક્ટરી પકડી
ગુજરાત એટીએસના અધિકારીઓએ માત્ર ગુજરાતમાં જ નહી પણ દેશના અન્ય રાજ્યોમાં કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને એમ ડી ડ્રગ્સની ફેક્ટરીઓ પર દરોડા પાડયા હતા. જેમાં છેલ્લા છ મહિનામાં સાત ફેક્ટરીઓમાં પાંચ હજાર કરોડ ઉપરાંતનો એમ ડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ગુજરાત એટીએસની ટીમ દ્વારા ગાંધીનગર, અમરેલી, અમદાવાદ,ભીંડ, જોધપુર,નાસીક અને ભોપાલમાંથી આ ફેક્ટરીઓ ઝડપી હતી. જેમાં ભોપાલમાં મળી આવેલી ફેક્ટરી સૌથી મોટી છે.
મુખ્ય સૂત્રધાર સનયાલે જેલમાંથી છૂટી ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી
સનયાલ બાને અને અમિત ચતુર્વેદીની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સનયાલ એમ ડી નેટવર્કથી માહિતગાર હતો. જેથી તે તૈયાર ડ્રગ્સ સપ્લાય કરવાથી માંડીને કાચો માલ વેચાણ કરતા માફિયા સાથે ડીલ કરવાની જવાબદારી ઉઠાવતો હતો. જ્યારે અમિત ચતુર્વેદી એમ ડી ડ્રગ્સ તૈયાર કરવામાં માસ્ટરી ધરાવતો હતો. જેથી સનયાલે જેલમાંથી છુટીને અમિત સાથે ડ્રગ્સનો કારોબાર ભાગીદારમાં શરૂ કર્યો હતો.
પાંચ હજાર કિલો રો મટિરીયલ મળી આવતા ખળભળાટ\
એટીએસ અને એનસીબીએ 907 કિલો એમ ડી ડ્રગ્સની સાથે ફેક્ટરીમાંથી પાંચ હજાર કિલો જેટલુ રો મટિરીયલ પણ જપ્ત કર્યું હતું. જેમાં 400 કિલો બ્રોમો મીથાઇલ પ્રોપીયોફિનોન, 1800 કિલો મોનો મીથાઇલ એમાઇન, 1000 કિલો એસીટોન, 800 કિલો ટોલ્યુઇન, 800 કિલો એચસીએલ સહિતના જથ્થાનો સમાવેશ થાય છે. જ્યારે અત્યાધુનિક સાધનો પણ જપ્ત કર્યા હતા. સુત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સ તૈયાર કરવાનું રો મટિરીયલ દવાની ફેક્ટરી નામે મંગાવવામાં આવતું હતુ.