વધતા જતા ટાર્ગેટ કિલિંગને અટકાવવા માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય :
કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ) જમ્મુ કાશ્મીરમાં વધારાની ૧૮ કંપનીઓ (૧૮૦૦) નિયુક્ત કરવાની તૈયારીમાં છે. રાજૌરી જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા પછી આવું કરવામાં આવી રહ્યું છે. જાણકારી સામે આવી રહી છે કે સીઆરપીએફની નિમણુક પુંછ અને રાજૌરી જિલ્લામાં કરાશે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બે આતંકવાદી ઘટનાઓનાં બે સગીર પિતરાઇ ભાઇ-બહેન સહિત છ લોકોના મોત થયા હતા. જાણકારી પ્રમાણે સીઆરપીએફની આઠ કંપનીઓ જલ્દી જ જમ્મુ કાશ્મીરમાં તૈનાત કરી દેવામાં આવશે. જ્યારે સીઆરપીએફની અન્ય ૧૦ કંપનીઓ દિલ્હીથી મોકલવામાં આવી રહી છે.
સૂત્રોના મતે જમ્મુ ક્ષેત્રમાં આતંકી હુમલા વિશે ગુપ્ત જાણકારી વચ્ચે ગૃહ મંત્રાલય દ્વારા હાલમાં જ જાહેર કરાયેલા એક આદેશ પછી આ પગલું ભરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના ઉપરી ડાંગરી ગામમાં રવિવારે સાંજે અને સોમવારે સવારે બે અલગ-અલગ આતંકી હુમલામાં બે બાળકો સહિત છ લોકોના મોત થયા હતા અને ઘણા ઇજાગ્રસ્ત થયા હતા. જે પછી આ વિસ્તારના લોકોએ સુરક્ષાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. છેલ્લા બે સપ્તાહમાં રાજૌરી જિલ્લામાં નાગરિકોની હત્યાની આ ત્રીજી ઘટના છે. હુમલા પછી જિલ્લામાં ડરનો માહોલ છે.
આ આતંકી હુમલા પછી સેના અને સીઆરપીએફે ઉપરી ડાંગરી ગામમાં થયેલા હુમલા પાછળ બે હથિયારબંધને પકડવા માટે મોટા પ્રમાણમાં તલાશી અભિયાન શરુ કર્યું છે. જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ ગોળીબારીના ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની સહાય અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. ગંભીર રુપથી ઇજાગ્રસ્તોને ૧ લાખ રૂપિયા આપવામાં આવશે.
એલજી કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે અધિકારીઓને ઇજાગ્રસ્તોની સર્વશ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એનઆઈએએ પણ આ ગામની મુલાકાત લીધી છે. જ્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.