બર્થ ભાડુ તથા લાઈસન્સ ફીમાં જંગી વધારો કરતા બોટ માલીકોની હડતાલ; દુધ-શાકભાજી જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ નહિ મળતા સ્થાનિકો પરેશાન
ઓખા-બેટ વચ્ચે ચાલતી આશરે ૧૮૦ ફેરી બોટો આજથી બંધ થતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. બર્થ ભાડુ અને લાઈસન્સ ફીમાં તંત્રએ એકાએક જંગી વધારો કરતા બોટ માલિકોએ આનિર્ણય લીધો છે.
ઓખા બોટ વચ્ચેના પાંચ કિ.મી.ના દરિયા કિનારે ચાલતી બોટના બર્થ ભાડા તથા લાઈસન્સભાડામાં એકાએક ૨૪ ગણો વધારો કરાતા બોટ માલીકો ગાંધી ચીંધ્યા માર્ગે જતા આજરોજ સવારથી જ તમામ બોટો બંધ કરીદેવા યાત્રીકો અને મુસાફરો પરેશાન થયા છે. વહેલી સવારથી દૂધ અને શાકભાજી જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ બંધ રહેતા સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના આ સરમુખત્યાર શાહી નિર્ણયોથી બોટ માલીકો પરેશાન થઈ ગયા છે. બર્થ ભાડુ જે એક વર્ષનુ રૂ. ૨ હજાર જેટલું હતુ તે વધારીને એક માસનું ચાર હજાર જેટલુ ભાડુ કરતા બોટ માલીકોએ આ પગલુ ભર્યું છે.