પૂરના પાણી ઓસરતા તમામ અસરગ્રસ્તો ઘરે પરત જઈ રહ્યા હતા તે વેળાએ સર્જાઈ કરૂણાંતિકા
પાકિસ્તાનના જમશોરોમાં એક પેસેન્જર બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 8 બાળકો સહિત 18 લોકો મૃત્યુ પામ્યા છે. જોકે, ઘણા લોકો ઘાયલ થયા છે. તમામને જમશોરો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જમશોરોના પૂર્વ વરિષ્ઠ પોલીસ અધિક્ષક જાવેદ બ્લોચના જણાવ્યા અનુસાર, બસ કરાંચીથી ખેરપુર નાથન શાહ પરત ફરી રહી હતી. તે સમયે, નૂરિયાબાદની પાસે આગ લાગી અને 18 લોકો મૃત્યુ પામ્યાં હતાં. બસમાં બેઠેલા મુસાફરો પૂરથી અસરગ્રસ્ત હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા. તમામ મુગેરી સમુદાયથી હતા. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. મૃતદેહ અને ઘાયલોને જમશોરોની લિયાકત યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર,એર-કન્ડિશનિંગ સિસ્ટમ કોચમાં ખામીને કારણે બસમાં આગ લાગી, જેનાથી આખી બસ લપેટમાં આવી ગઈ. અને આગથી બચવા માટે ઘણા પેસેન્જરો બસમાંથી કૂદી પડ્યા હતા. માહિતી મુજબ, બસમાં 35 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
અકસ્માતની જાણ થતાં સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે જમશોરોના ડેપ્યુટી કમિશનરને તાત્કાલિક એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચવાનો આદેશ આપ્યો હતો. તેમણે એક નિવેદન આપતાં કહ્યું કે વહીવટીતંત્રે પરિવારોને દરેક રીતે સહાય કરશે. સીએમ મુરાદે અકસ્માતની તપાસનો રિપોર્ટ પણ મંગાવ્યો છે.