ગાંધીધામમાં આશાપુરા સોસાયટીમાં રહેતા અને કરિયાણાના વેપારી સાથે એક ઠગે એલઆઇસી પોલિસીના નામે રૂ.18 લાખની છેતરપિંડી આચર્યાની એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગઠીયાએ પોલિસીના રોકડમાં હપ્તા લઈ કોરા ચેક પર સહી કરાવી તે ચેક બેંકમાં જમાં કરવી ચેક બાઉન્સ કરાવતા વેપારીએ એક શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
યુવાન પાસેથી કોરા ચેક મેળવી ગઠીયાએ બેંકમાં જમા કરાવ્યા રોકડ રકમ મેળવી ચેક બાઉન્સ કરાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામમાં આશાપુરા સોસાયટીમાં રહેતા અને કરિયાણા વેપારી અક્ષય રમેશભાઈ ભાનુશાળી નામના 25 વર્ષીય યુવાને એ-ડિવિઝન પોલીસ મથકમાં મહેન્દ્ર માવજી ભાનુશાળી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદમાં વેપારીએ જણાવ્યા મુજબ આરોપી મહેન્દ્ર ભાનુશાળી તેમની કરિયાણાની દુકાને ગ્રાહક બનીને આવતો હતો. મહેન્દ્ર ભાનુશાળીએ પોતે એલઆઇસી એજન્ટ હોવાનુ જણાવી સન 2009માં બે પોલિસી લીધી હતી. ત્યાર બાદ બંને પોલિસી મર્જ કરાવી પોતાની પત્નીના નામે સન 2019માં પોલિસી કરાવી હતી.
ત્યાર બાદ હપ્તા બાબતે વેપારી પહોંચી ન શકતા અક્ષય ભાનુશાળીએ આ પોલિસી બંધ કરવાનુ મહેન્દ્ર ભાનુશાળીને કહ્યું હતું. ત્યારે મહેન્દ્ર ભાનુશાળીએ કોરા ચેક લખાવી વેપારીને વાતોમાં ભેળવી પોલિસી ચાલુ રખાવી હતી. ત્યાર બાદ મહેન્દ્ર ભાનુશાળીએ વેપારી પાસે લખેલા બે કોરા ચેક પર કુલ રૂ.18 લાખની રકમ લખી ચેક બેંકમાં જમાં કરાવતા ચેક બાઉન્સ થતા વાત કોર્ટ સુધી પહોંચી હતી. જેથી વેપારીએ આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવતા હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ રાણાએ આગળની તપાસ હાથધરી છે.