રાજકોટ સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકા અને 10 અન્ય શહેરો સહિત કુલ 18 શહેરોમાં હાલ રાત્રી કર્ફ્યુ સહિતની પાબંધી કોરોનાના કારણે લાદવામાં આવી છે. 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુની મુદ્ત આજે પૂર્ણ થઇ રહી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે હવે 18 શહેરોને રાત્રી કર્ફ્યુમાંથી મૂક્તિ આપવામાં આવે અથવા સમય મર્યાદામાં બે કલાકનો ઘટાડો કરવામાં આવે તેવી પણ સંભાવના જણાય રહી છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો ત્યારે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં મીની લોકડાઉન સાથે કેટલાક આકરા પ્રતિબંધો લાદ્યા હતાં. દરમિયાન જૂન માસથી સંક્રમણમાં સતત ઘટાડો નોંધાતા 36 પૈકી 18 શહેરોને ગત 25મી જૂનથી રાત્રી કર્ફ્યુમાં મુક્તિ આપવામાં આવી હતી જ્યારે રાજકોટ સહિત રાજ્યની આઠ મહાનગર પાલિકા ઉપરાંત વાપી, અંકલેશ્ર્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભૂજ અને ગાંધીધામમાં રાત્રી કર્ફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને રાત્રીના 10 થી સવાર 6 વાગ્યા સુધી હાલ કર્ફ્યુ અમલમાં છે.
આ ઉપરાંત આ 18 શહેરોમાં હોટેલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાય છે અને નિર્ધારિત ક્ષમતા કરતા 60 ટકાની ક્ષમતા સાથે ચલાવી શકાય છે. જો કે ફૂડ ડિલિવરીની છૂટ રાત્રીના 12 વાગ્યા સુધીની છે. દુકાનો પણ રાત્રીના 9 વાગ્યા સુધી ખૂલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિઓ અને અંતિમ વિધી કે દફન વિધીમાં 40 વ્યક્તિઓને ભેગા થવાની છૂટછાટ આપવામાં આવી છે.
સામાજીક-રાજકીય પ્રસંગો અને ધાર્મિકસ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અથવા મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકાય તેવી છૂટછાટ આપવામાં આવી છે. વાંચનાલયો 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની, પાર્ક-ગાર્ડન રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની સિનેમાઘરો કે ઓડિટોરિયમ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની છૂટ છે. જ્યારે એસ.ટી. બસ 75 ટકા ક્ષમતા સાથે દોડાવવાની છૂટ આપવામાં આવી છે.
રાજકોટ સહિત રાજ્યના 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતની પાબંધીની મુદ્ત આજે પૂર્ણ થઇ રહી છે ત્યારે આવતીકાલથી આ 18 શહેરોને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે. હાલ કોરોનાનું સંક્રમણ સાવ તળીયે છે. આવામાં સાવચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આ 18 શહેરોને રાત્રી કર્ફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં ન આવે તો અન્ય તમામ પાબંધીઓ ઉઠાવી લઇને રાત્રી કર્ફ્યુના સમયમાં બે કલાકનો ઘટાડો કરવામાં આવે અને કર્ફ્યુનો સમય રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે તેવી સંભાવના પણ રહેલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ 2020થી રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ મળી આવ્યો ત્યારથી કેટલીક પાબંધીઓ લાદવામાં આવી છે. જે છેલ્લા દોઢ વર્ષથી અમલમાં છે. રાત્રી કર્ફ્યુ પણ છેલ્લા એકાદ વર્ષથી અમલમાં છે જેમાં રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં મીની લોકડાઉન સાથે કેટલીક પાબંધીઓ લાદવામાં આવી હતી. જેમાં સંક્રમણ ઘટતા ઘટાડો કરવામાં આવી રહ્યો છે. હવે કોરોનાની બીજી લહેર સંપૂર્ણપણે પૂર્ણ થવામાં છે ત્યારે 18 શહેરોને રાત્રી કર્ફ્યુ અને પાબંધીમુક્ત કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે.