લાખ પ્રયાસો છતાં રોગચાળો કેડો મુકવાનું નામ લેતો નથી તાવ અને ઝાડા ઉલ્ટીના ૪૦૦થી વધુ કેસ
પાણીજન્ય, મચ્છરજન્ય, ખોરાકજન્ય અને સીઝનલ રોગચાળાને નાથવા માટે મહાપાલિકા દ્વારા કહેવાતા લાખો પ્રયાસો હાથ ધરવામાં આવતા હોવા છતાં રોગચાળો કેડો મુકવાનું નામ લેતો નથી. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરીયા તાવના વધુ ૧૮ કેસો મળી આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. સામાન્ય ઝાડા-ઉલ્ટી અને તાવના ૪૦૦થી વધુ કેસો નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી સામાન્ય અને તાવના ૨૨૮ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૬૪ કેસ, ટાઈફોડ તાવના ૩ કેસ, ડેન્ગ્યુ તાવના ૪ કેસ, ચિકનગુનિયાના ૬ કેસ, મરડાના ૯ કેસ, મેલેરીયાના ૮ કેસ, કમળા તાવના ૩ કેસ અને અન્ય તાવના ૧૪ કેસો નોંધાયા છે.ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૧૮ રેકડી, ૧૫ દુકાન, ૧૭ ડેરી ફાર્મ, ૧૫ હોટલ રેસ્ટોરન્ટ, ૧૫ બેકરી અને ૨૭ અન્ય સ્થળ સહિત કુલ ૧૦૭ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૩ અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરી ૪ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૫૯,૬૬૨ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૫૮૦૭ ઘરોમાં ફોગિંગ કરાયું હતું. શાળા-કોલેજ, હોસ્પિટલ, હોટલ અને બાંધકામ સાઈટ સહિત કુલ ૨૫૯ સ્થળોએ મચ્છરની ઉત્પતિ માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મચ્છરની ઉત્પતિ સબબ ૧૩૯ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. પાણીજન્ય રોગચાળાની અટકાયત માટે મહાપાલિકા દ્વારા અપાતું પાણી પીવા લાયક છે કે કેમ ? તેના માટે સેન્ટ્રલ ઝોનમાં ૧૫૭, વેસ્ટ ઝોનમાં ૧૭૨ અને ઈસ્ટ ઝોનમાં ૧૭૮ સ્થળેથી પાણીના નમુના લેવામાં આવ્યા હતા. જે તમામ પીવાલાયક હોવાનું જાહેર કરાયું છે.