રાસ-ગરબા, સાડી પરિધાન, એક પાત્રીય અભિનયમાં પ્રજ્ઞા ચક્ષુઓએ કૌવત બતાવ્યું
જૂનાગઢમાં અંધ દીકરીઓની રવિવારે વિવિધ સ્પર્ધા યોજાય ગઈ. જેમાં ગુજરાતભરની 182 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ જોડાઈ હતી. અને પ્રજ્ઞા ચક્ષુ દીકરીઓએ એ સાબિત કરી બતાવ્યું હતું કે, ભલે અમારે આંખો નથી, પરંતુ આંતર ચક્ષુથી દરેક કાર્ય કરવા અમે સક્ષમ છીએ.
જુનાગઢ ખાતે પ્રજ્ઞાચક્ષુચ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ ક્ધયા છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજ્ઞા ચક્ષુ દીકરીઓ માટેની રાસ – ગરબા સ્પર્ધા, સાડી પરિધાન સ્પર્ધા, એક પાત્રીય અભિનય સ્પર્ધા, એન્ડ્રોઈડ મોબાઇલમાં ફકરો ટાઈપ કરવાની સ્પર્ધા, તેમજ લગ્નગીતા સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં જુનાગઢ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાલનપુર, કપડવંજ, સુરેન્દ્રનગર, ઇડર, રાજકોટ, પોરબંદર અને આણંદ સહિત ગુજરાતભર માંથી 182 જેટલી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ અંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાના જણાવ્યા અનુસાર, સતત બે દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધા દરમિયાન રાસ ગરબા સ્પર્ધામાં અંધ ક્ધયા છાત્રાલય જુનાગઢ, અંધશાળા ગાંધીનગર, સરસ્વતી પ્રજ્ઞા કાલ અમદાવાદ વિજેતા બની હતી જ્યારે એક પાત્રીય અભિનયમાં ડોળાસિયા રમીલાબેન ભાવનગર, દંતેશ્વરી શોભનાબેન જુનાગઢ, ચાવડા પૂર્વીબેન બાપુનગર તેમજ સાડી પરિધાન સ્પર્ધામાં ભટ્ટ કીમ્પલબેન જુનાગઢ, પાઠક દક્ષાબેન પોરબંદર, વાઘેલા સરસ્વતીબેન સુરેન્દ્રનગર વિજેતા જાહેર થયા હતા. આ સાથે મોબાઈલ ટાઈપ સ્પર્ધામાં પરમાર કોમલબેન રાજકોટ, છાજેર માનસીબેન અમદાવાદ, પૂર્વીબેન શર્મા કપડવંજ તેમજ લગ્ન ગીત સ્પર્ધામાં ચૌહાણ અંકિતાબેન અમદાવાદ, હેતલબેન ગોહિલ વડોદરા, અને કાજલબેન ચુડાસમા જુનાગઢ વિજેતા જાહેર થતાં તમામ વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર, શિલ્ડ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું ઉદઘાટન બીલનાથ મહાદેવ મંદિરના મહંત ગણેશાનંદ બાપુએ કર્યું હતું. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, સહકારી ક્ષેત્રના અગ્રણી ડોલરભાઈ કોટેચા સહિત શહેરના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.આ તકે સંસ્થાના ટ્રસ્ટી અને દાતાર સેવકો એવા બટુક બાપુ (નરેન્દ્ર ભાઈ જોશી)ના 75 વર્ષ પૂર્ણ થતા તેમનું સન્માન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મુકેશગીરી મેઘનાથી, કમલેશ પંડ્યા, શાંતાબેન બેસ સહિતના એ ભારે જહેમત ઉઠાવી હતી.
આંખો નથી પરંતુ આંતર ચક્ષુથી દરેક કાર્ય કરવા સક્ષમ છીએ : સ્પર્ધક બહેનો
સ્પર્ધા દરમિયાન ઉપસ્થિત પ્રજ્ઞા ચક્ષુ સ્પર્ધક બહેનોએ જણાવ્યું હતું કે, ભલે અમારે આંખો નથી પરંતુ આંતર ચક્ષુની મદદથી અમે દરેક કામ કરવા સક્ષમ છીએ. અને આ આવડત માટે અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ. કારણ કે, આંખ ન હોવા છતાં અમે દરેક કામ આસાનીથી કરી શકીએ છીએ.અને બીજી બહેનો કરતા અમે અમારી જાતને ઓછી આંકતા નથી.