લૂંટ, મર્ડર, ઘરફોડ ચોરી, મારામારી સહિતના અઢાર અઢાર ગુનાના હિસ્ટ્રીશીટર એવા ભચાઉના શબ્બિરે ભચાઉમાં મોબાઈલ ફોન લૂંટવા ખાતર નિર્દોષ નવયુવાન પર ઝનુનપૂર્વક છરીના ૭ ઘા ઝીંકી રહેંસી નાખ્યો છે.હિંમતપુરામાં રહેતા શબ્બિર ઊર્ફે શબલો ઉમર ઊર્ફે બબીડો ભટ્ટી નામના હિસ્ટ્રીશીટરને પોલીસે આખી રાત દોડધામ કરી ઝડપી લીધો છે. ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં ભચાઉના મણિનગરમાં રહેતો ૨૧ વર્ષનો મહેશ ઊર્ફે હડો કાનાભાઈ મહાલીયા (કોલી) માનસરોવર જતા રસ્તા પર અનવર ભટ્ટીની ગેરેજ સામે મોબાઈલ ફોન પર વાતો કરતો હતો ત્યારે શબ્બિર, તેનો ભાઈ જીવા ઉમર ઊર્ફે બબીડો ભટ્ટી અને આઝાદ ભૈયો નામના ત્રણ લુખ્ખાં મોટર સાયકલ પર ત્યાં આવ્યા હતા. ત્રણેય જણાંએ મહેશનો ફોન લૂંટવા પ્રયાસ કર્યો હતો.
મહેશે આનાકાની કરતાં ત્રણેય જણાં મહેશને પકડીને દુકાનના ખાંચામાં લઈ ગયા હતા. જ્યાં જીવા અને આઝાદે મહેશને પકડી રાખ્યો હતો અને શબ્બિરે તેની પાસે રહેલી છરીથી મહેશના મોઢા અને છાતી પર ક્રુરતાપૂર્વક સાત ઘા મારી તેને સ્થળ પર રહેંસી નાખ્યો હતો. મહેશના પડોશમાં રહેતા મનોજ રમેશ કોલી અને કરસન મંગા કોલીએ તેમની નજર સમક્ષ આ હત્યાકાંડ જોયો હતો અને સીધા તેના પિતાને જાણ કરવા દોડી ગયાં હતા.
મહેશના પિતા-પરિવારજનો સ્થળ પર પહોંચ્યા ત્યારે લોહીલુહાણ મહેશ બેશુધ્ધ હાલતમાં અંતિમ શ્વાસ ભરી રહ્યો હતો. પરિવારજનો ઑટો રીક્ષામાં તેને ભચાઉ સરકારી દવાખાને લઈ ગયાં હતા પરંતુ સારવાર મળે તે પહેલાં મહેશનું મોત નીપજી ચૂક્યું હતું. શ્રમજીવી પરિવારનો મહેશ સિમેન્ટની બોરીઓ ઉપાડવાનું મજૂરીકામ કરતો હતો. મધરાત્રે અઢી વાગ્યે ભચાઉ પોલીસે મહેશના પિતાએ ત્રણેય આરોપી વિરુધ્ધ આપેલી લૂંટ વીથ મર્ડરની ફરિયાદ નોંધી હતી. પોલીસે રાત્રે જ દોડધામ કરી મુખ્ય સૂત્રધાર શબ્બિરને દબોચી લીધો હતો.