રાજકોટમાં કોઠારીયા રોડ પર ભુમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલી એક્યુબ એન્જીટેક નામની સબ મર્સીબલ પંપ બનાવવાનું કામ કરતી કંપનીના માલિક સાથે આસામ સરકારની માતક ઓટોનોમસ કાઉન્સીલના નામે ૩૫ હજાર નંગ સબ મર્સીબલ પંપનો ઓર્ડર આપી ભોપાલ, ગાજીયાબાદ અને આસામ રહેતી ટોળકીના 6 શખ્સોએ રૂા.૧૮.૮૮ કરોડની છેતરપીંડી કરતા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
કારખાનેદારને 35 હજાર સબ મર્સીબલ પમ્પનો ઓર્ડર આપી ભોપાલ, ગાજીયાબાદ અને આસામ રહેતી ટોળકીના 6 શખ્સોએ છેતરપિંડી કરતા આજીડેમ પોલીસમાં નોંધાતો ગુનો
વિગતો મુજબ ખોખડદળમાં રહેતા અને કોઠારીયા રોડ પર ભુમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલી એક્યુબ એન્જીટેક નામની સબ મર્સીબલ પંપ બનવાની કંપનીના માલિક આશિષભાઇ ધીરજલાલ દેસાઇ (ઉ.વ. 36)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં ભોપાલના મનીષ સુરેશલાલ વિશ્વકર્મા , ગાઝિયાબાદના સમરીત શેલાની તન્સર , યુ.પી ના પવન ઇન્દ્રજીત શર્મા અને આસામના ગીરી નંદા, પાર્થ ભાર્ગવાજ અને ખરગેશ્વર ભુયાન જણાવ્યું છે કે કંપનીમાં તે અને તેનો નાનોભાઇ સતિષ ભાગીદાર છે.
ગઇ તા.૧ મેના રોજ તેના સતિષને મનીષ વિશ્વકર્મા નામની વ્યકિતએ કોલ કરી જણાવ્યું કે મારી પાસે આસામ સરકારની એક કાઉન્સીલનો ૬૫ હજાર વોટર પમ્પનો ઓર્ડર છે. જો તમારે તે પૂરો કરવો હોય તો કંપનીના ડોક્યુમેન્ટનું લીસ્ટ મોકલવું પડશે. જેથી તેના ભાઇ સતિષે વોટ્સએપ નંબર ઉપર કંપનીના ડોક્યુમેન્ટનું લીસ્ટ મોકલી આપ્યું હતું. ત્યારબાદ મનીષે સતિષને કોલ કરી મુખ્ય સાહેબ સાથે મીટીંગ માટે ગોહાટી બોલાવ્યો હતો.
જેથી સતિષ ત્યાં ગયો હતો. તે વખતે આસામ સરકારની માતક ઓટોનોમસ કાઉન્સીલના કહેવાતા ઓફિસર સાથે મુલાકાત થઇ હતી. જેમાં ૩૫ હજાર સબમર્સીબલ પમ્પનો ઓર્ડર આપ્યો હતો. જે બાબતે વાતચીત થયા બાદ મનીષે કન્સલ્ટીંગ ચાર્જ પેટે રકમ લીધી હતી. ત્યારબાદ રાજકોટથી ટ્રાન્સપોર્ટમાં સબમર્સીબલ પંપનો જથ્થો આસામનું જે સરનામુ અપાયું હતું ત્યો મોકલી દીધો હતો. જ્યાં વેરહાઉસના વ્યકિતએ જથ્થો રીસીવ પણ કરી લીધો હતો. પેમેન્ટ ૪૫ દિવસમાં આપવાનું નક્કી થયું હતું. પરંતુ સમય મર્યાદામાં પેમેન્ટ નહીં મળતા ઉઘરાણી કરી હતી.
પરંતુ વાયદાઓ મળતા હતા. આખરે આસામ જઇ તપાસ કરતાં અને ત્યાંના પ્રિન્સીપલ સેક્રેટરીને મળી ડોક્યુમેન્ટ બતાવતા ઓર્ડરમાં જે સહી અને સીક્કા છે તે પોતાની કચેરીના નહીં હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં ઓર્ડર બોગસ હોવાનું પણ કહ્યું હતું. સાથોસાથ પોતાની કચેરી પાસે આટલો ઓર્ડર કરવા માટેની કોઇ ગ્રાન્ટ પણ નહીં હોવાનું કહ્યું હતું. જેને કારણે પરિસ્થિતિ પામી જતા ગઇકાલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે આ માતબર રકમની ઠગાઇ કરનાર ટોળકીના છ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.