૧૮મી સુધીમાં તમામ મતદારોને મતદાન સ્લીપ પહોચાડી દેવાનો આદેશ: ચૂંટણી સ્ટાફ દ્વારા ડોર ટુ ડોર સ્લીપનું વિતર
જિલ્લા ચૂંટણી તંત્રની તૈયારીઓ, અંતિમ તબકકામાં; ૨૧મીથી રીસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરો કાર્યરત થશે
રાજકોટ લોકસભા બેઠકમાં ૧૮.૮૨ લાખ મતદારો ૨૩મીએ મતદાન કરવાના છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ મતદારોને મતદાન સ્લીપનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્લીપનું વિતરણ ચૂંટણી સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈને કરવામાં આવી રહ્યું છે. સ્લીપ વિતરણની પ્રક્રિયા આગામી ૧૮મી સુધીમાં પૂર્ણ કરી દેવાનો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
૧૦ રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન આગામી ૨૩મીના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાવાનું છે. ત્યારે મતદાનને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા હોય જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ લોકસભા બેઠકમાં ૨૦૫૦ મતદાન મથકો પર મતદાનની આગોતરી તમામ તૈયારીઓ કરી લેવામા આવી છે. હાલ ૧૨૧૭૯ ચૂંટણી સ્ટાફની આખરી તાલીમ અને પોસ્ટલ બેલેટ વડે મતદાન પણ ચાલી રહ્યું છે. ચૂંટણી સ્ટાફની આ અંતિમ તાલીમ ૧૭મી સુધી ચાલવાની છે. ઉપરાંત તા.૨૧થી રાજકોટ શહેર-જિલ્લાના રીસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરો પણ કાર્યરત થઈ જવાના છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગઈકાલથી રાજકોટ સંસદીય મત વિસ્તારનાં ૧૮.૮૨ લાખ મતદારોને મતદાન સ્લીપનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મતદાન સ્લીપ બુથલેવલ ઓફીસરો દ્વારા ડોર ટુ ડોર જઈને મતદારોને આપવામાં આવી રહી છે. મતદાન સ્લીપનું વિતરણ તા.૧૮ને ગૂરૂવાર સુધીમાં પૂર્ણ કરી દેવાની સુચના જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તા દ્વારા આપવામાં આવી છે. મતદારો આ સ્લીપ લઈને પોતાનું વોટર આઈડી કાર્ડ ઉપરાંત ચૂંટણી પંચે માન્ય કરેલા અન્ય ૧૪ જેટલા ફોટો આઈટી પ્રુફ પૈકી કોઈ એક પુરાવો લઈને મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
બીજી બાજુ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૨૦૫૦ મતદાન મથકો ઉપર ચૂંટણી સ્ટાફ અને મતદારો માટે તમામ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. ચૂંટણી સ્ટાફના અંતિમ રેન્ડમાઈઝેશન બાદ તેઓને ૨૨મીએ પોત પોતાના બુથ ઉપર રવાના કરી દેવામાં આવશે. તમામ મતદાન મથકો પર ચૂંટણી ફરજના સ્ટાફ માટે પીવાનું પાણી, વીજળી, સુવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામા આવનાર છે. ઉપરાંત મતદાન કરવા માટે આવનાર મતદારોને પણ પીવાનું પાણી મળ રહે દિવ્યાંગો માટે રેમ્પ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકમાં ૭ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ૬૬ ટંકારામાં ૨૯૯ મતદાન મથકો, ૬૭ ટંકારામાં ૩૨, ૬૮ રાજકોટ પૂર્વમાં ૨૬૩, ૬૯ રાજકોટ પશ્ર્ચીમમાં ૩૧૨, ૭૦ રાજકોટ દક્ષિણમાં ૨૨૮, ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૩૬૩ અને ૭૨ જસદણમાં ૨૬૨ મતદાન મથકો આવેલા છે.
આ મતદાન મથકો ઉપર આગામી ૨૩મીએ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલવાની છે.ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૨૫૪ માઈક્રો ઓબ્ઝર્વર નિયુકત કરવામા આવ્યા છે. આ માઈક્રો ઓબ્ઝર્વર મતદાનનાં ૭૨ કલાક પૂર્વેથી જ પેટ્રોલીંગ શરૂ કરીને તમામ વ્યવસ્થા પ૨ સતત દેખરેખ રાખવાના છે.