ગત લોકસભાની ચૂંટણીની સાપેક્ષે .૫૨ લાખ મતદારોનો વધારો: આચારસંહિતાની કડક અમલવારી માટે દરેક બુથ વાઈઝ ત્રણ ફલાઈંગ સ્કવોડ મુકાઈ, ૨૮મીથી ત્રણત્રણ સર્વેલન્સ ટીમ પણ કાર્યરત થશે

ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્રએ ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ ચલાવ્યો છે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કુલ ૧૮.૬૫ લાખ મતદારો નોંધાયા છે. ગત લોકસભાની ચૂંટણીની સાપેક્ષે આ વખતે ૨.૫૨ લાખ મતદારોનો વધારો થયો છે.

ઉપરાંત સંસદીય મત વિસ્તારમાં કુલ ૨૦૫૦ જેટલા મતદાન મથકો ઉપલબ્ધ છે. ઉપરાંત ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતાની કડક અમલવારી માટે દરેક વિધાનસભા બેઠક વાઈઝ ત્રણ ફલાઈગ સ્કવોર્ડ મુકી દેવામાં આવી છે. આ સાથે દરેક બેઠક વાઈઝ આગામી ૨૮મીથી ત્રણ-ત્રણ સર્વેલન્સ ટીમ પણ કાર્યરત કરવામાં આવશે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, જિલ્લા પોલીસવડા બલરામ મીણા, અધિક જિલ્લા કલેકટર, પરિમલ પંડયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધાંધલ, ડીસીબી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને માહિતી આપી હતી.

જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આગામી ૨૮મીએ લોકસભા સામાન્ય ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થવાનું છે. ૨૮મીથી ૪ એપ્રીલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે બાદમાં ૫ એપ્રીલના રોજ ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરવામાં આવશે. ૮ એપ્રીલ ઉમેદવારી પરત ખેંચવાની રહેશે, ૨૩મીએ મતદાન યોજાશે બાદમાં ૨૩ મેના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે અને ૨૭મીએ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.

રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કુલ ૧૮૬૫૭૧૦ મતદારો નોંધાયા છે. જેમાં ૬૬-ટંકારામાં ૨૩૦૩૦૪, ૬૭-વાંકાનેરમાં ૨૫૨૨૭૪, ૬૮-રાજકોટ પૂર્વમાં ૨૬૭૩૬૯, ૬૯-રાજકોટ પશ્ર્ચિમમાં ૩૨૪૪૮૮, ૭૦-રાજકોટ દક્ષિણમાં ૨૪૫૫૫૫, ૭૧-રાજકોટ ગ્રામ્યમાં ૩૧૨૧૮૪, ૭૨-જસદણમાં ૨૩૩૫૩૬ મતદારો નોંધાયા છે. જયારે ગત લોકસભાની ચૂંટણી વખતે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ૧૬૧૨૯૧૯ મતદારો નોંધાયા હતા.

આમ ગત લોકસભા ચૂંટણીની સાંપેક્ષે ૨.૫૨ લાખ મતદારોનો વધારો નોંધાયો છે. મતદાન મથકોની સંખ્યા પર નજર કરીએ તો ૬૬-ટંકારામાં ૨૯૯, ૬૭-વાંકાનેરમાં ૨૩૨, ૬૮-રાજકોટ પૂર્વમાં ૨૬૩, ૬૯-રાજકોટ પશ્ચિમમાં ૩૧૨, ૭૦-રાજકોટ દક્ષિણમાં ૨૨૮, ૭૧-રાજકોટ ગ્રામ્યમાં ૩૬૩, ૭૨-જસદણમાં ૨૬૨ મળી કુલ ૨૦૫૦ મતદાન મથકો છે જેમાં ૩૦ મતદાન મથકો પુરક છે. આ તમામ મતદાન મથકો ૧૦૦૫ લોકેશનો પર આવેલા છે.

વધુમાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં ૩૨૦૮ બેલેટ યુનિટ, ૨૬૧૭ કંટ્રોલ યુનિટ અને ૨૭૧૧ વીવીપેટ મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ તમામનો ફસ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સાથે દરેક વિધાનસભા બેઠક વાઈઝ ૩-૩ ફલાઈંગ સ્કવોર્ડની નિમણૂંક પણ કરી દેવામાં આવી છે. આ સાથે ૨૧ નોડલ અધિકારીની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે. બાદમાં આગામી ૨૮મીથી બેઠક વાઈઝ ૩-૩ સ્ટેટીંગ સર્વેલન્સ ટીમ પણ એક્ટિવ કરી દેવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણીની કામગીરી માટે રાજકોટ જિલ્લામાં ૨૦,૦૦૦ કર્મચારીઓની નામ નોંધણી કરી દેવામાં આવી છે

એરપોર્ટ, એસ.ટી. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ઉપર ખાસ સુરક્ષા

જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ પૈસાની લેવડ-દેવડ ઉપર નજર રાખવા માટે એરપોર્ટ એસ.ટી. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ઉપર ખાસ સુરક્ષા ગોઠવવા સંબંધીત ખાતાને સુચના આપી દેવામાં આવી છે. આ ત્રણેય ભીડભાડવાળા સ્થળોએ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

મોટી નાણાકીય લેવડદેવડ અંગે તંત્રને જાણ કરવા બેંકોને સૂચના

ચૂંટણી વખતે મતદારોને રીઝવવા માટે નાણાનો ઉપયોગ કરવામાં આવે છે. આ નાણાની મોટી લેવડ-દેવડ કરીને આચારસંહિતાનો ભંગ થતો હોવાની અનેક ફરિયાદો તંત્રને મળતી રહે છે ત્યારે ફરિયાદ મળે તે પૂર્વે જ નાણાની મોટી લેવડ દેવડ પર કાર્યવાહી કરવા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ બેંકોને સુચના આપી દેવામાં આવી છે. જો કોઈ મોટી નાણાકીય લેવડ-દેવડ થાય તો ચૂંટણી તંત્રને તુરંત આ અંગે માહિતી આપવાની રહેશે.

તોફાની તત્ત્વોને કાબુમાં લેવા તડીપાર અને પાસા સહિતની કાર્યવાહી કરાશે

ચૂંટણી વખતે આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તેવા હેતુથી તોફાની તત્ત્વોને કાબુમાં લેવા તંત્ર કમરકસી રહ્યું છે. આ અંગે રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, જિલ્લાના રીઢા ગુનેગારોની પોલીસ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે. ચૂંટણી વખતે આવા તત્ત્વોની આચારસંહિતાનું ભંગ કરે તે પૂર્વે જ તેની સામે તડીપાર અને પાસા સહિતની કામગીરી કરવાનું શરૂ કરી દેવામાં આવશે.

દિવ્યાંગો માટે અને મહિલાઓ માટે ૩૫ ખાસ મતદાન મથકો

રાજકોટ જિલ્લામાં દિવ્યાંગો અને મહિલાઓને મતદાન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લામાં દિવ્યાંગો માટે દરેક બેઠક વાઈઝ ૧ એટલે કે કુલ ૭ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં દિવ્યાંગોને આવવા-જવા માટે સરળતા રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ઉપરાંત ૩૫ મહિલા મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે જેમાં તમામ સ્ટાફ પણ મહિલાઓનો જ રાખવામાં આવશે.

શહેર જિલ્લામાં ચૂંટણીને લઈને ૩૬ ચેક પોસ્ટ કાર્યરત થશે

જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લામાં ૨૦ ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવશે. જેમાની હાલ ૧૩ ચેક પોસ્ટ ચાલુ હાલતમાં છે. જયારે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજકોટ શહેરમાં પણ ૧૬ ચેક પોસ્ટો કાર્યરત કરવામાં આવશે. આ તમામ ચેક પોસ્ટ પર પોલીસ બંદોબસ્ત સાથે વાહનનું સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવનાર છે.

પ્રથમ વખત પોલીસ સંવેદનશીલ વિસ્તારમાં જઈ લોકો સાથે કરશે સંવાદ

જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં સંવેદનશીલ મતદાન મથકો નકકી થઈ ગયા છે. સંવેદનશીલ મતદાન મથકો ધરાવતા વિસ્તારમાં જઈને પોલીસ દ્વારા ત્યાના લોકો સાથે સંવાદ કરવામાં આવશે. ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે ઉપરાંત સંવેદનશીલ મત વિસ્તારના લોકોની સમસ્યા સંદર્ભે પણ પોલીસ દ્વારા વિગતવાર માહિતી સંવાદ કરતી વેળાએ લેવામાં આવનાર છે.

વોટ્સએપ પર ફેક ન્યુઝ રોકવા એમસીએસી કમિટી મોનીટરીંગ કરશે

જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ કહ્યું હતું કે, વોટ્સએપ પર ચૂંટણી વખતે ફરતા ફેક ન્યુઝને રોકવા માટે એમસીએસી કમીટીને જવાબદારી સોંપવામાં આવી છે. આ કમીટી વોટ્સએપ ઉપર જે ખોટા મેસેજ વાયરલ થાય છે તેનું મોનીટરીંગ કરશે. ખોટા મેસેજ વાયરલ થવાની આ ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવશે.

નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય તેના માટે તંત્ર પ્રતિબદ્ધ: કલેકટર

જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, નિસ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય તેના માટે જિલ્લા ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે. લોકસભાની ચૂંટણી વખતે શાંતિમય વાતાવરણ જળવાય, કોઈ અનિશ્ર્ચિનીય બનાવ ન બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયીક રીતે થાય તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

૨૫મી સુધી નવા મતદારોને મતદાર યાદીમાં સમાવાશે

જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આગામી ૨૫મી સુધી ફોર્મ નં.૬ સ્વીકારવામાં આવશે. જે માટે નવા મતદારોએ પોતાનું નામ મતદાર યાદીમાં સમાવવા માટે ૨૫મી સુધીમાં ફોર્મ નં.૬ ભરી દેવાનું રહેશે. જયારે ફોર્મ નં.૭, ૮ અને ૮-અ ચૂંટણીની જાહેરાત થતા ફ્રિઝ કરી દેવામાં આવ્યું છે. ૨૫મી સુધી જે મતદારો ફોર્મ નં.૬ ભરી જમા કરાવી દેશે તેઓ આ લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

હેલ્પ લાઈન૧૯૫૦કેવી રીતે મતદારોને થશે મદદરૂElection press MCMC room opening Dt. 12 03 2019 Rajkot 9

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રીકટ કોન્ટેકટ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જેના સંપર્ક નં.૧૯૫૦ રાખવામાં આવ્યા છે. આ સેન્ટર રાઉન્ડ ધ કલોક ચાલુ રહેવાનું છે. આચારસંહિતા ભંગની ફરિયાદો પણ આ સેન્ટરમાં લેવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી અંગેના પ્રશ્નો મતદાર યાદી અંગેના પ્રશ્ને તેમજ વિવિધ માર્ગદર્શન આ હેલ્પલાઈન નંબર પરથી મતદારોને મળી રહેશે.

સોશિયલ મીડિયા સસ્તા પ્રચારનો ઉત્તમ રસ્તો: ખર્ચ ગણવા બાબતે તંત્ર મુંઝવણમાં

લોકસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો સોશીયલ મીડિયા ઉપર પ્રચાર કરવા પર વધુ ભાર મુકવાના છે. કારણ કે, સોશીયલ મીડિયા પરનો પ્રચાર સૌથી સસ્તો માનવામાં આવે છે. જો કે, સોશીયલ મીડિયા પર થતાં પ્રચારનો ખર્ચ ગણવા
બાબતે તંત્ર હજુ પણ મુંઝવણમાં છે. હાલના તબકકે તંત્ર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સોશીયલ મીડિયા
પર જો કોઈ ઈમેજ કે વીડિયો મુકવામાં આવે તો આ ઈમેજ કે વિડીયો બનાવવા પાછળ જે ખર્ચ થાય તે ખર્ચ જ ઉમેદવારના ખર્ચમાં ગણવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.