ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ -12ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આવતીકાલથી શરૂ થશે. જેમાં સમગ્ર ગુજરાતના 18.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધોરણ 10-12ની પરીક્ષાઓ માટે 137 ઝોનમાં આવેલા 1607 કેન્દ્રો પર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 5873 બિલ્ડિંગોનો સમાવેશ થાય છે. તેના 63615 ખંડમાં બોર્ડની પરીક્ષા લેવાશે. પરીક્ષામાં 85 હજાર કર્મચારીઓ કાર્યરત રહેશે.
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લા બે વર્ષથી જેલના કેદીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ધોરણ-10ના 89 અને ધોરણ-12ના 36 મળી 125 કેદી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની મધ્યસ્થ જેલમાં પરીક્ષા આપશે.
ધોરણ 10-12ની પરીક્ષાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્ર પર ખાસ તકેદારીના ભાગરૂપે ક્લાસ-1 અને ક્લાસ-2ના ઓફિસર પરીક્ષા પૂર્ણ ન થાય ત્યા સૂધી ઓબ્ઝર્વેશન કરશે. આ ઉપરાંત રાજ્ય અને જિલ્લાકક્ષાની પોલીસ ગોઠવવામાં આવી છે.
રાજ્યના 63 હજાર પરીક્ષાખંડ સીસીટીવી કેમરા સજ્જ કરવામાં આવ્યા છે. અને જ્યાં સીસીટીવીની વ્યવસ્થા નથી ત્યાં 509 જેટલા ટેબલેટ મુકવામાં આવ્યા છે.