ભાજપના 12 કોર્પોરેટરોએ 24 પ્રશ્ર્નો અને કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ 6 પ્રશ્ર્ન બોર્ડ સમક્ષ મુક્યા: પાણી, કોરોના, એસ્ટેટ, આવાસ સહિતના પ્રશ્ર્ને તડાપીટના એંધાણ
રાજકોટ મહાનગર પાલિકામાં આગામી 17મી જુલાઈના રોજ સવારે 11 કલાકે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે જેમાં સવાલોની તડાપીટ બોલશે. બોર્ડ પાણી, હોર્ડિંગ્સ, આવાસ, કોરોના સહિતના મુદ્દે તોફાની બની રહે તેવી સંભાવના જણાય રહી છે. ભાજપના 12 કોર્પોરેટરોએ 24 પ્રશ્ર્નો અને કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ 6 પ્રશ્ર્ન બોર્ડ સમક્ષ રજૂ કર્યા છે. આશ્ર્ચર્યજનક રીતે લાંબા સમય બાદ પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ આ વખતે બોર્ડ સમક્ષ એક પણ પ્રશ્ર્ન મુક્યો નથી. જનરલ બોર્ડની બેઠકમાં સૌપ્રથમ વોર્ડ નં.7ના ભાજપના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડના પ્રશ્ર્ન અંગે ચર્ચા થશે. તેઓએ મહાપાલિકા હસ્તક કેટલી લાઈબ્રેરી આવેલી છે અને તેમાં કેટલા સભ્ય છે. આ ઉપરાંત હરતા-ફરતા પુસ્તકાલયની સંખ્યા અને તેના સભ્યોની સંખ્યાનો પણ જવાબ માંગ્યો છે.
વોર્ડ નં.15ના કોંગી કોર્પોરેટર કોમલબેન ભારાઈએ શહેરમાં કેટલી ટીપરવાન છે ? ક્યાં વોર્ડમાં કેટલી ટીપરવાન દોડે છે અને તેના ખર્ચ ઉપરાંત રાત્રી સફાઈ ક્યાં રોડ પર કરવામાં આવે છે તેની માહિતી માંગી છે અને કોરોના કાળ દરમિયાન બંધ રહેલા સ્નાનાગારમાં મેન્ટેનન્શનો ખર્ચ કેટલો થયો તેની વિગત માંગી છે. વોર્ડ નં.2ના કોર્પોરેટર મનિષભાઈ રાડીયાએ પીપી પ્લોટ રમતગમત માટે સંસ્થાને ભાડે આપવામાં આવેલ હોય તો તેની વાર્ષિક આવક કેટલી અને કેટલાં બગીચામાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા તે અંગે માહિતી માંગી છે. નિલેષ જલુએ રોશની વિભાગમાં કઈ કઈ કામગીરી કોન્ટ્રાકટર દ્વારા ચાલે છે તેની અને ટીપરવાન અંગે માહિતી માંગી છે.
નિતીન રામાણીએ પીપીના પ્લોટ કેટલા સમય માટે અને ક્યાં હેતુસર ભાડે અપાયા છે. ઉપરાંત 2 માસમાં ક્યાં ક્યાં વોર્ડમાં પેચવર્ક કરવામાં આવ્યું તેની માહિતી માગી છે. તો વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ કોરોના સંબંધીત માહિતીઓ માંગી છે. ક્લાસ-1 ઓફિસરની કેટલી જગ્યા ખાલી છે અને કેમ ભરવામાં આવતી નથી તેની તથા કમિશનરને કરવામાં આવેલી રજૂઆત અંગે પણ જવાબ માંગ્યો છે.
કોર્પોરેટર ભાવેશ દેથરીયાએ કેટલાં લોકોએ છેલ્લા એક વર્ષમાં વ્યવસાય વેરો ભર્યો અને કોર્પોરેશન દ્વારા ક્યાં-ક્યાં પે-એન્ડ પાર્ક બનાવવામાં આવ્યા તેનું પુછાણ કરવામાં આવ્યું છે તો અનિતાબેન ગૌસ્વામીએ મહાપાલિકા હસ્તકના હોર્ડિંગ્સ બોર્ડ કેટલા અને ખાનગી મિલકત પર કેટલા હોર્ડિંગ્સ છે તે ઉપરાંત ડીઆઈ પાઈપ લાઈનની કામગીરીની વોર્ડવાઈઝ વિગત આપવા જણાવ્યું છે. નેહલ શુકલએ છેલ્લા એક વર્ષમાં કેટલાં લોકોને આવાસ ફાળવવામાં આવ્યા, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી તેની વિગતોની માંગણી કરી છે.
ચેતન સુરેજાએ એવી માહિતી માંગી છે કે, રાજ્ય સરકાર દ્વારા એક વર્ષમાં કેટલી ટીપી સ્કીમોને મંજૂરી આપવામાં આવી અને છેલ્લા 3 માસમાં મેલેરીયા કામગીરીનો રિપોર્ટ આપો. જીતુભાઈ કાટોળીયાએ નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા અંગે અને ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવવાની કામગીરી ક્યાં પહોંચી તેની માહિતી માંગી છે તો જયમીન ઠાકર મહાપાલિકાની કઈ કઈ મિલકત પર રૂફટોપ સોલાર નાખવામાં આવ્યા અને તેનાથી કેટલા વીજબીલ બચે છે અને હોકર્સ ઝોનનું પુછાણ ર્ક્યું છે તો નિરૂભા વાઘેલાએ વર્કશોપ વાહનોનું રિપેરીંગ ક્યાં કરવામાં આવે છે અને ભંગાર વાહનોની હરરાજી માટે શું કામગીરી કરવામાં આવે છે તે ઉપરાંત મરેલા ઢોર ઉપાડવા હાલ કેટલા વાહન ક્ાર્યરત છે તેનું પુછાણ કર્યું છે. જ્યારે કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજાએ મહાપાલિકા હસ્તકના જીમ અને તેમાં કેટલાં સભ્ય તેની માહિતી માંગી છે અને કેટલાં વોકળાની સાફ સફાઈ કરવામાં આવ્યા તે અંગે પણ પુછાણ ર્ક્યું છે.
જનરલ બોર્ડની બેઠકમાં એર્ફોડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પલેક્ષ અંગેની કામગીરી, ઢેબર રોડ પર ખાદી ભંડાર સામે આવેલા જૂના સ્ટેશનવાળા બિલ્ડીંગનો ઈમલો તોડી પાડવા, આનંદનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરનો ઈમલો તોડી પાડવા, આવાસ યોજનાની દુકાનોના દસ્તાવેજ કરી આપવા, લાઈન મેનની જગ્યાની લાયકાતમાં ફેરફાર કરવા અને ટીપી સ્કીમ નં.19 મુંજકા તથા 36/3 ઘંટેશ્ર્વર પરાપીપળીયામાં સમાવિષ્ટ રાજકોટ મહાપાલિકાને ફાળવવામાં આવેલા જાહેર હેતુના અંતિમ ખંડો તથા રસ્તા અન્વયેની દરખાસ્તને પરામર્શ આપવા સહિતની કુલ 8 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.