78 કેન્દ્રોની ફાળવણી: બીજા અને ત્રીજા તબક્કાની પરીક્ષાના પરિણામ 15 ઓગષ્ટ સુધીમાં જાહેર કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં ત્રણેય તબક્કાની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓલ્ડ કોર્ષનાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ કે જેઓ ઓલ્ડ કોર્સના છે તેમની પરીક્ષા આગામી 17મી ઓગષ્ટથી શરૂ થશે.
ઓલ્ડ કોર્સની પરીક્ષા માટેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે જે માટે 78 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં વર્ષ 2016ના બી.એ, બી.કોમ, બી.બી.એ, બી.સી.એ, બીએસ.સી, બી.પી.એ, બી.આર.સી, બીએસ.સી.આઈ.ટી, હોમસાયન્સ, એલ.એલ.બી અને એમ.એસ.સી સહિતની પરીક્ષાઓ 17મીથી ચાલુ થઈ 25 ઓગષ્ટ સુધી ચાલશે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, આ તમામ પરીક્ષા જુદા જુદા 78 કેન્દ્રો પર યોજાશે અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરી પરીક્ષા લેવાશે. પરિક્ષાખંડમાં પણ વિદ્યાર્થીઓને પુરા સોશ્યલ ડિસ્ટનસ સાથે બેસાડવામાં આવશે.
વધુમાં માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, ગત માસમાં યોજાયેલી પ્રથમ તબક્કાની પરીક્ષાના મોટાભાગના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે અને બીજા તેમજ ત્રીજા તબક્કાની પરીક્ષાના પરિણામ 15 ઓગષ્ટ સુધીમાં જાહેર થઈ જશે.