પ્રમુખની રેસમાં ધરમશીભાઇ ચનીયારા અને ભરત બોરસદીયા તેમજ હસમુખભાઇ કણઝારીયા વચ્ચે રાજકીય રેસ
જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી આગામી તા.17ના રોજ યોજાવાની છે ત્યારે અત્યારથી જ પંચાયતના રાજકારણમાં ગ્રામ્ય કક્ષાએથી લઇને કમલમ સુધીનું રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપની જિલ્લા પંચાયતમાં સત્તાની ધુરા સંભાળવાની છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે થઇને આગામી તા.13ના રોજ ગાંધીનગર ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખના નામ નક્કી કરવા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે મળશે. જેને લઇને જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
જામનગર જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 18 સભ્યો વિજેતા થયા છે. ત્યારે ભાજપ સત્તાની કમાન્ડ સંભાળવા જઇ રહ્યું છે. રાજય સરકાર દ્વારા વિકાસ કમિશ્ર્નરે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આગામી તા.17 માર્ચ જાહેર કરાઇ છે. પ્રથમ અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતના પ્રમુખનો હોદો બિનઅનામત જાહેર કરાયો છે. ઉપપ્રમુખ અને પ્રમુખપદના હોદાની મર્યાદા અઢી વર્ષની હોય છે. જેથી પહેલી ટર્મમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી 17મી માર્ચએ થનાર હોય જેને લઇને આ પદ માટે રાજકીય રેસ લાગી છે. જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપના 18 સભ્યો હોય જેથી ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખના નામ નક્કી કરવા માટે થઇને આગામી તા.13 માર્ચના રોજ ગાંધીનગર ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. આ બેઠક માટે જામનગર જિલ્લા ભાજપ દ્વારા પણ જિલ્લાના પ્રભારીને સાથે રાખી આ બેઠકમાં હાજરી અપાશે. જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે થઇને ગ્રામ્ય કક્ષાએથી લઇને ગાંધીનગર કમલમ ભવન સુધીનું રાજકારણમાં વેગ આવ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ કોના ઉપર પાર્લામેન્ટ્રી બોર્ડ પહેરાવે છે તેવુ જોવુ જ રહ્યું.
જો કે મળતી માહિતી મુજબ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે રાજકીય સમીકરણ જોઇએ તો કડવા અથવા લેઉવા પાટીદાર સમાજના ઉમેદવારનુ પલ્લુ ભારે છે. જેમાં ખાસ કરીને જોડિયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ધરમશીભાઇ ચનીયારા જેવો જોડિયાની બેઠક ઉપરથી વિજેતા થયા છે. તેઓ પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાના ગામના હોય તેમજ રાજકીય રીતે પણ વગદાર વ્યકિત છે. કડવા પાટીદાર સમાજમાંથી નેતૃત્વ કરે છે. તે જ રીતે જામનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે રહી ચુકેલા અને જિલ્લા પંચાયતની ધુતારપરની બેઠક ઉપરથી વિજેતા થયેલા ભરતભાઇ બોરસદીયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. આ સાથે ધુંવાવની બેઠક ઉપરથી વિજેતા થયેલા અને જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધપક્ષના નેતા હસમુખભાઇ કણઝારીયાનુ નામ પણ સતવાર સમાજના આગેવાન તરીકે પ્રમુખપદની રેસમાં બોલાઇ રહ્યું છે.