કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપતા જણાવ્યું છે કે, કાયદા ઘડનારાઓ વિરૂધ્ધના ૩૮૧૬ કેસોના નિકાલ માટે ૧૧ સ્પેશ્યલ કોર્ટની રચના કરાઈ છે. અને આ કાયદા ઘડનારાઓ એટલે કે, સાંસદ સભ્ય અને ધારાસભ્ય વિરૂધ્ધ ક્રીમીનલ ગુનાઓનાં કેસ પર સ્પેશ્યલ કોર્ટો ઝડપથી કાર્યવાહી કરી રહી છે.
કાયદા મંત્રાલયે જણાવ્યું છે કે, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, બિહાર, દિલ્હી, તામીલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળમાં સ્પેશ્યલ કોર્ટ ઉભી કરાય છે. જયારે હજુ ૧૨ રાજયોમાં સ્પેશ્યલ કોર્ટની સ્થાપના કરવાની બાકી છે. જેમાં અસમ, નાગાલેન્ડ, મીઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મણીપૂર અને ગોવાનો સમાવેશ થાય છે. આ બાકીનાં રાજયોમાં પણ ઝડપથી સ્પેશ્યલ કોર્ટ ઉભી કરાશે.
કાયદા ઘડનારાઓ જ કાયદાનો ભંગ કરે છે. એટલે કે સાંસદો અને ધારાસભ્યો કોઈ પણ કાયદો ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ ઘણા ખરા સાંસદો અને ધારાસભ્યો જ કાયદાનો ભંગ કરે છે. તેમની વિરૂધ્ધ કુલ ૩૮૧૬ ક્રિમીનલ કેસો પેન્ડીંગ પડેલા છે. આ વિશે સર્વોચ્ચ અદાલતે માહિતી માંગી હતી જેના પ્રત્યુતરમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં ૧૧ સ્પેશ્યલોર્ટ ઉભી કરાઈ છે જે આ પેન્ડીંગ કેસોની કાર્યવાહી કરી રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું હતુ કે, ૧૧ રાજયોમાં આ સ્પેશ્યલ કોર્ટ ૧, નવેમ્બર ૨૦૧૭ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અનુસાર ઉભી કરાઈ છે. અને બાકીનાં રાજયોમાં પણ ઝડપથી આદેશ અનુસરાશે અને આ માટે રૂ. ૭.૮ કરોડનો ખર્ચ થયો છે.