- ફેક્ટરીમાં વેંચાણ અર્થે સંગ્રહ કરાયેલા ફ્રાઇમ્સના પેકેટ પર મેન્યુફેક્ચર ડેઇટ, એક્સપાયરી ડેઇટ કે બેચ નંબર લખવામાં આવ્યા ન હતા: ફ્રાઇમ્સના જથ્થાનો નાશ કરી પેઢીના માલિકને નોટિસ ફટકારાઈ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના ભગવતીપરા મેઇન રોડ પર જયપ્રકાશનગર-1માં આવેલા ડી.કે. ગૃહ ઉદ્યોગમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા અહિં કારખાનામાં વેંચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલા ફ્રાઇમ્સના પેકેટ પર મેન્યુફેક્ચરીંગ ડેઇટ, એક્સપાયરી ડેઇટ અને બેંચ નંબર દર્શાવ્યા વિનાનો 175 કિલો ફ્રાઇમ્સનો વાસી જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ ટીપર વાનમાં નાશ કરવામાં આવ્યા હતો અને પેઢીને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા તથા ફૂડ લાયસન્સ મેળવવા સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.
શહેરમાં તમામ પ્રકારની ખાદ્ય સામગ્રીમાં બેફામ ભેળસેળ થતી હોવાના કિસ્સા દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે. ભગવતીપરા મેઇન રોડ પર આવેલા ડી.કે. ગૃહ ઉદ્યોગમાંથી પણ ચેકીંગ દરમિયાન 175 કિલો વાસી ફ્રાઇમ્સનો જથ્થો પકડાયો હતો. જેના પર એકપણ પ્રકારની વિગત લખવામાં આવી ન હતી. સ્થળ પર ટીપર વાનને બોલાવીને ફ્રાઇમ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી સુધીના વિસ્તાર અને સંતકબીર રોડથી પ્રદ્યુમન પાર્કના ગેઇટ સુધીના વિસ્તારમાં ખાણીપીણીનું વેંચાણ કરતા 16 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ-અલગ 12 ખાદ્ય સામગ્રીના નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન મનહર કોલ્ડ્રિંક્સ, શરણેશ્ર્વર રેસ્ટોરન્ટ, શિવ ગાંઠીયા, અક્ષર ગાંઠીયા, મહિરાજ કાઠીયાવાડી, ત્રિલોક નાસ્તા સેન્ટર, શ્રીવાસંગી ડેરી ફાર્મ, જય ખોડલ ડિલક્ષ પાન અને ખેતલા આપા ટી-સ્ટોલને ફૂડ લાયસન્સ મેળવવા માટે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ભગવતી સોડા શોપ, બજરંગ પાણીપુરી, ભેરૂનાથ પાણીપુરી, બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, શક્તિ સહયોગ પાન, સતિ સાગર કોલ્ડ્રિંક્સ, સતી સાગર સેલ્સ એજન્સીમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કશી ક્ષતિ મળી ન હતી.
કાલાવડ રોડ અને ઢેબર રોડ પર સ્વામિનારાયણ મંદિર-ગુરૂકુળમાંથી ‘ભોગ’ના નમૂના લેવાયા
રાજ્ય સરકારના આદેશના પગલે કોર્પોરેશન દ્વારા સમયાંતરે અલગ-અલગ મંદિરોમાં ભગવાનને ધર્યા બાદ ભાવિકોને પ્રસાદ સ્વરૂપે અપાતા ભોગના નમૂના લેવાની સૂચના આપવામાં આવી છે. જેને પગલે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે કાલાવડ રોડ પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને ઢેબર રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાંથી અલગ-અલગ ચાર ભોગના નમૂના લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં અન્ય મંદિરોમાંથી પણ ભોગના નમૂના લેવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડરબ્રિજની બાજુમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતેથી લૂઝ મોહન થાળ અને લૂઝ મગસ મીઠાઇના નમૂના લેવાયા હતા. જ્યારે ઢેબર રોડ પર સ્વામિનારાયણ ગુરૂકુળમાંથી લૂઝ મગસના લાડુની મીઠાઇ અને લૂઝ અડદીયાનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. કોઇ ફરિયાદ કે ક્ષતિના કારણે મંદિરોમાંથી ભોગ પ્રસાદના નમૂના લેવામાં આવ્યા નથી પરંતુ સરકારની સૂચના મુજબ સમયાંતરે મંદિરોમાંથી નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.