અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે એપ્લીકેશનનું લોન્ચીંગ
રાજયભરમાં આવેલ ૧૭૦૦૦ થી વધુ સસ્તા અનાજની દુકાનો અને ર૦૦ થી વધુ ગોડાઉનોની માહીતી હવે સામાન્ય પ્રજાને જીઆઇએસ એપ્લીકેશનની મદદથી નકશા ઉપર ઉપલબ્ધ થશે તેમ રાજયના અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા ગાંધીનગર ખાતેથી જણાવાયું હતું.
મંત્રીએ જીઆઇએસ બેઇઝ એપ્લીકેશન Know your FPS and Know your Godownએપ્લીકેશનનું લોન્ચીંગ કરતા કહ્યું હતું કે આ એપ્લીકેશનના લોન્ચીંગથી અન્ન અને નાગરીક પુરવઠા વિભાગએ સઘળી કામગીરી પૂર્ણ પારદર્શકતા સાથે આંગણીના ટેરવી ઉપલબ્ધ કરાવી વહીવટી પારદર્શકતા માટે નવી પહેલ કરી છે. આ એપ્લીકેશનની મદદથી છેવાડાનો નાગરીક પણ પોતાના આજુબાજુના વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની દુકાનની માહીતી તેમજ તેમાં ઉપલબ્ધ પુરવાઠાની વિગતો સરળતાથી આંગળીના ટેરવે નકશા દ્વારા મેળવી શકશે. આ જીઆઇએસ એપ્લીકેશન જાહેર જનતા માટે pds.geo. gujarat.gov.inઉપર ઉપલબ્ધ થશે.
અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે કહ્યું હતું કે બાયસેગ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એપ્લીકેશનની મદદથી રાજયમાં આવેલા તમામ ગોડાઉનો અને રાજયના તમામ પંડીત દિન દયાળ ઉપાઘ્યાય ગ્રાહક ભંડારની સંપૂર્ણ વિગતો સામાન્ય વ્યકિત મેપ દ્વારા જાણી શકશે. આ એપ્લીકેશનના કારણે ડીસીઝન મેકીંગ કામગીરી થતાં નાણાની બચત થશે ઉપરાંત આપદા સમયે યોગ્ય સંકલન આયોજન અને અમલીકરણમાં તંત્રને સુગમતા રહેશે.
આ એપ્લીકેશનથી રાજયનો કોઇપણ નાગરીક પંડીત દિનદયાળ ગ્રાહક ભંડારનું સ્થળ અને તેમા ઉપલબ્ધ સગવડ, કાર્ડ ધારકોની વિગતો, વિતરણ વગેરેની માહીતી મેળવી શકશે. રેગ્યુલર અને ચાર્જ ચાલતી દુકાનો, પરમીટના સ્ટેટસની છેલ્લી સ્થીતીની વિગતો પણ મેળવી શકશે. રાજયના ર૦૦ કરતા પણ વધુ ગોડાઉનો અને એની તમામ વિગતો, જથ્થો તથા જથ્થાના વિતરણની વિગતો ભૌગોલિક માહીતી સાથે મેળવી શકશે. સસ્તા અનાજની બે દુકાનો વચ્ચેનું અંતર, આધાર આધારિત જથ્થાના વિતરણની વિગતો પણ ઉપલબ્ધ થતા સમગ્ર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક બનશે. તેમ પણ તેમને ઉમેર્યુ હતું.
આ એપ્લીકેશન લોન્ચીંગ પ્રસંગે અન્ન અને નાગરીક પુરવઠા નિગમના એમ.ડી. શ્રી મનીષ ભારદ્વાજ તેમજ અન્ન અને નાગરીક પુરવઠા નિગમના નિયામકશ્રી અમૃત પટેલ સહીતના અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,