મચ્છુ નદી કેબલ બ્રિજ દુર્ઘટના સંદર્ભે રાહત કામગીરી અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા કરતા આપતિ વ્યવસ્થાપન મંત્રી
મોરબીમાં મચ્છુ નદી કેબલ બ્રિજ તૂટતા બનેલી દુર્ઘટના સંદર્ભે ચાલી રહેલી રાહત કામગીરીની સમીક્ષા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે આપતિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
મંત્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે પુલ તૂટવાની ઘટના બાદ વહીવટી તંત્ર, વિવિધ સુરક્ષા દળો તેમજ સ્થાનિકોની મદદથી 170 જેટલા નાગરિકોને બચાવી લેવામાં સફળતા મળી છે. જેમાંથી 152ને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે 17 નાગરીકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનામાં અત્યાર સુધીમાં 135ના દુ:ખદ અવસાન થયા છે તે તમામની અંતિમવિધિ કરવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું હતું કે મોરબીમાં પુલ તૂટવાની દુ:ખદ ઘટનાના સમાચાર મળ્યા બાદ યુદ્ધના ધોરણે વહીવટી તંત્રને બચાવ કામગીરીની સૂચનાઓ આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાતભર ચાલી રહેલા બચાવ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન આપી બનતી તમામ મદદ કરી હતી.
પ્રધાનમંત્રીએ આ ઘટનાથી વ્યથિત થઈને દુ:ખ વ્યક્ત કરીને બચાવ-રાહત કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી તંત્રને જરૂરી સૂચનાઓ આપી કેન્દ્રીય સુરક્ષા દળોને તાત્કાલિક મોરબી રવાના કર્યા હતા. ઘટનામાં અવસાન પામેલા નાગરિકોનાં પરિવારજનોને વડાપ્રધાનની કાર્યાલયમાંથી રૂ.2 લાખ તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.4 લાખ એમ કુલ રૂ.6 લાખની સહાય ચુકવવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરાઈ છે. જ્યારે ઈજાગ્રસ્તોને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા રૂ.50-50 હજારની સહાય ચૂકવામાં આવી છે.
આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મોરબી મચ્છુ નદીની ઘટનામાં કેબલ બ્રિજ તૂટી જવાના કારણે જે નાગરિકોએ જાન ગુમાવ્યા છે એમને શ્રધ્ધાંજલી અર્પીને એમના પરિજનોને આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરી છે. રાજ્યનો એક એક નાગરિક વ્યથિત છે ત્યારે રાજ્ય સરકારે પણ મૃતકો પ્રત્યે સંવેદના દાખવવા માટે આવતીકાલે તા.2જી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરીને સરકારી કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે તેમજ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવાશે.
મંત્રીએ કહ્યું હતું કે, એનડીઆરએફ, એસડીઆરએફ, સેના આઇએએફ, નેવી, કોસ્ટ ગાર્ડ, પોલીસ અને સ્થાનિક વહીવટી ટીમ દ્વારા કરવામાં આવેલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેના કારણે અત્યાર સુધી માત્ર બે લોકો લાપતા છે. જેમની શોધખોળ ચાલી રહેલી છે. આ ઉપરાંત રાહત કામગીરી માટે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લાઓના અધિકારીઓની વધારાની કુલ 04 ટીમો મોરબી ખાતે નિયુક્ત કરવામાં આવી છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરના બંને કટ્રોલ રૂમ ચોવીસ કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જે માટે જિલ્લા કક્ષાનો હેલ્પલાઇન નંબર 02822 243300 અને રાજ્ય કક્ષાનો હેલ્પલાઇન નંબર 079 232 51900 જાહેર કરવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવ મહેસૂલ, રાહત કમિશનર અને રાહત નિયામક દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ચોવીસ કલાક સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.