બજેટ સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી અજિત પવારની સતાવાર જાહેરાત
મહારાષ્ટ્રના મુખ્ય શહેરો પૈકી પુનાની ફરતે 170 કી.મી. લાંબો રીંગ રોડ બનાવવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે બજેટ સત્ર દરમિયાન લીધો છે. આશરે રૂ. 26 હજાર કરોડના ખર્ચે સુદ્રઢ વાહન વ્યવહાર વ્યવસ્થાના ભાગરૂપે પુનાની ફરતે 170 કિલોમીટર લાંબો રીંગ રોડ બનાવાશે તેવું મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બજેટ સત્ર દરમિયાન કહ્યું હતું.
મહારાષ્ટ્ર રાજ્ય નું હાલ વર્ષ નાણાકીય વર્ષ 2021-22નું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પુનાની ફરતે રિંગરોડ બનાવવા ની જાહેરાત કરતાં કહ્યું હતું કે, 170 કિલોમીટર લાંબો રિંગરોડ બનાવવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા આ વર્ષમાં જ શરૂ કરી દેવામાં આવશે. પુના શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે તેવું પવારે ઉમેર્યું હતું.
અજિત પવારે વિધાનસભામાં કહ્યું હતું કે, કોંકણ, મરાઠાવાડ, ઉત્તર મહારાષ્ટ્ર અને અન્ય ભાગોમાંથી આવતા અને પુનાથી પસાર થતાં વાહનો શહેરની બહારો-બહારથી પસાર થઇ શકે અને શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ ઓછી સર્જાય તેના માટે અમે આ પ્રોજેક્ટને અમલી બનાવવા જઈ રહ્યા છીએ.આ પ્રથમ કિસ્સો છે, જ્યારે કોઈ શહેરની ફરતે આટલો લાંબો રીંગરોડ બનવા જઈ રહ્યો હોય. રીંગરોડ દેશના અનેક મોટા શહેરોમાં જોવા મળે છે પરંતુ તેની લંબાઈ પ્રમાણમાં ખુબ નાની હોય છે. ત્યારે પૂના ખાતે બનવા જઈ રહેલો રીંગરોડ પ્રમાણમાં ખૂબ મોટો ગણી શકાય છે. જેના કારણે શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ખૂબ જુજ કરવો પડશે તેવું પણ હાલના તબક્કે કહી શકાય છે.
ઉપરાંત, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એવું પણ ઉમેર્યું હતું કે, ફાઈનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન પીડબલ્યુડી ડિપાર્ટમેન્ટની સાથે રહીને 3,03,842 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રાજ્ય ધોરી માર્ગોને વધુ સુદઢ બનાવવા માટે નાણાકીય ભંડોળ એકત્રિત કરશે. જેની મદદથી હાઇવેની જાળવણી કરી શકાશે.