મૃતકોના પરીવારજનોને રૂ. 2 લાખ જયારે ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત

મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. થાણેના શાહપુર સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગ પર બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન ક્રેન એટલે કે ગર્ડર મશીન પુલ પરથી નીચે પડી ગયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ જેમાં લગભગ 17 લોકોના મોત થયા છે તેમજ ત્રણ ઘાયલ થયા છે. વિગતો મુજબ આ દુર્ઘટનામાં હજુ પણ 10 થી 15 લોકો અંદર જ ફસાયેલા છે. ક્રેન લગભગ 200 ફૂટથી નીચે પડી હતી જેના પછી અફરા તફરી મચી હતી. આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ જાણવા મળ્યું નથી પરંતુ સૂત્રો પાપ્ત વિગતો મુજબ ઓવરલોડિંગને કારણે આ ઘટના બની હતી.

મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં થયેલી દુર્ઘટના મામલે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, દુર્ઘટનાથી દુઃખી છું, જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના, એનડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્ર દુર્ઘટનાના સ્થળે કામ કરી રહ્યું છે. મૃતકના પરિવારજનોને 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50 હજારની સહાયની પણ જાહેરાત કરી છે

એનડીઆરએફની બે ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં સમૃદ્ધિ હાઇવેના ફેઝ-3નું કામ ચાલી રહ્યું છે. થાંભલા પર બ્રિજ બનાવવાની ક્રેન ત્યાં હતી અને આ ક્રેનની મદદથી ગર્ડરને ઉંચો કરીને જોડવામાં આવી રહ્યો હતો. ક્રેન લગભગ 200 ફૂટની ઊંચાઈએ હતી. જે મંગળવારે વહેલી સવારે શાહપુર વિસ્તારમાં આ મશીન અચાનક નીચે પડી ગયું હતું. પુલની નીચે મોટી સંખ્યામાં શ્રમિકો હતા જેઓ આ દુર્ઘટનાના ભોગ બન્યા હતાં. મશીન પડવા પાછળનું સાચું કારણ જાણી શકાયું નથી. ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પાપ્ત માહિતી મુજબ એક ડઝનથી વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે.

શાહપુર પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન શાહપુર વિસ્તારમાં ગર્ડર લોન્ચિંગ મશીન નીચે પડી ગયું હતું. ફેઝ-3ના કામ દરમિયાન મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે આ અંગે બેદરકારીની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઓવરલોડના કારણે મશીન નીચે પડ્યું હોવાની વાત સામે આવી રહી છે. આ વિસ્તારમાં હાઇવે બનાવવાનો કોન્ટ્રાક્ટ કઇ કંપનીને આપવામાં આવ્યો હતો અને તેના માલિક કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.