આઠ મહિલા સહિત ૮૧ ઝડપાયા: ૬ લાખની રોક્ડ કબ્જે
જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણી જુગાર અવિરત ચાલુ રહ્યો છે, જેની સામે પોલીસ તંત્રએ પણ લાલ આંખ કરી છે. અને દરોડાની કાર્યવાહી ચાલુ રાખી છે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં ૧૭ સ્થળે જુગાર અંગે પોલીસે દરોડા પાડયા છે, અને ૮૧ પત્તાપ્રેમીઓની ધરપકડ કરી લઇ રુ ૬ લાખની માલમત્તા કબજે કરી છે.
જામનગર જિલ્લામાં શ્રાવણ મહિનો પૂરો થઈ રહ્યો છે છતાં પણ જુગારની પ્રવૃત્તિ અવિરત ચાલુ જ રહી છે, અને લોકો મનમૂકીને જુગાર રમી રહ્યા છે. ૧૫ મી ઑગસ્ટ તેમજ ગઇકાલે પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં ૧૭ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા અને આઠ મહિલા સહિત ૪૯ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેઓ પાસેથી રૂ.૬ લાખથી વધુની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી લેવાયું છે. જેમાં રાજકોટ આર.આર.સેલની ટીમે પણ ત્રાટકી હતી.
જામજોધપુર તાલુકાના ગોપ ગામમાં ભરત લખમણભાઇ નંદાણીયા દ્વારા એક વાડીમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે આર.આર.સેલની ટીમે દરોડો પાડી રૂપિયા અઢી લાખની રોકડ રકમ અને મોબાઈલ ફોન વગેરે સહિત પોણા ત્રણ લાખની માલમતા સાથે આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
જામનગર નજીક હાપા માં જાહેરમાં જુગાર રમી રહેલી ચંદ્રિકાબેન કાળુભાઈ સાપરિયા ઉપરાંત પ્રવીણ લખમણભાઇ કોળી સહિતના પાંચ આરોપીઓને પોલીસે પકડી પાડયા છે, અને રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં અન્ય પાંચ સ્થળે તેમજ મેઘપર,ધ્રોલ,દરેડ અને વસઈ મા જુગાર અંગે કુલ ૧૭ દરોડા પાડવામાં આવ્યા છે, અને આઠ મહિલા સહિત ૮૧ આરોપીઓ પકડાયા છે. જેઓ પાસેથી કુલ ૬ લાખની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.