ભયગ્રસ્ત કવાર્ટર ખાલી કરવા નોટિસ અપાયા બાદ પણ કાર્યવાહી ન થતા કોર્પોરેશન ત્રાટકયું: હાઉસીંગ બોર્ડ દ્વારા આસામીઓનાં વીજ અને ગેસ કનેકશન કપાતા માથાકૂટ
શહેરમાં ૨૦૦૦ ભયગ્રસ્ત મિલકતોને નોટીસ ફટકારવામાં આવી છે અને આ મિલકતો ખાલી કરવા તાકિદ કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે કોર્પોરેશને અલગ-અલગ બે સ્થળે ગુજરાત હાઉસીંગ બોર્ડનાં જર્જરીત કવાર્ટરમાં ૧૭ જેટલા નળજોડાણ કાપી નાખ્યા હતા.
શહેરમાં બે સ્થળે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર ભયગ્રસ્ત હોવાથી ત્યાં વસવાટ કરતા આસામીઓને છેલ્લા એકાદ સપ્તાહથી ભયજનક ક્વાર્ટર ખાલી કરવા અંગે લેખીત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી. આગામી સમયમાં વરસાદને લીધે કોઈ જાનહાની ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યા બાદ, વોર્ડ નં.૬ માં આકાશદીપ સોસાયટી હાઉસિંગ બોર્ડના વર્ષો જુના ત્રણ માળિયા ક્વાર્ટરમાં ૧૨-૧૨ ફ્લેટ વાળા એક એવા પાંચ બ્લોકના કુલ ૬૦ ફ્લેટ આવેલાં છે, જે ભયજનક જણાતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ભયગ્રસ્ત મકાનો અંગે નોટીસો આપી લોકોને ક્વાર્ટર ખાલી કરવા સુચના આપાયેલ. દરમ્યાન આજે નળ કનેકસન કપાત કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેની પણ જાણ કરવામાં આવી હતી.
આ જ રીતે વોર્ડ નં. ૧૭માં આનંદ નગર કોલોની વિસ્તારમાં શક્તિ ચોક પાસે ગુજરાત હાઈસિંગ બોર્ડ દ્વારા બનાવાયેલા ત્રણ માળિયા ક્વાર્ટર પૈકી ઈ-૧, ૨, ૩ અને ઈ-૪ તથા એફ-૭, ૮, ૯ એમ કુલ ૭ બ્લોક ભયજનક હોઈ મનપા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા રહીસોને તાત્કાલિક અસરથી ક્વાર્ટર ખાલી કરવા અને પાણી તથા ડ્રેનેજ કનેક્શન કપાત કરવામાં આવશે તેવી માઈક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. વોર્ડ નં.૬ માં આકાશદીપ સોસાયટી હાઉસિંગ બોર્ડના વર્ષો જુના ત્રણ માળિયા ક્વાર્ટરમાં આજે કુલ ૧૬ નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા જયારે વોર્ડ નં. ૧૭માં આનંદ નગર કોલોની વિસ્તારમાં શક્તિ ચોક પાસે ગુજરાત હાઈસિંગ બોર્ડ દ્વારા બનાવાયેલા ત્રણ માળિયા ક્વાર્ટરમાં એક નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા વીજ કનેક્શન અને ગેસ કનેક્શન કપાત કરવાની કામગીરી કરવામાં આવતા સામાન્ય માથાકૂટ થયાનું જાણવા મળી રહ્યું છે.