ઈન્દ્રનીલ રાજયગુરુનું રાજીનામું નામંજુર કરી પાર્ટીમાં પરત લાવવા ઉગ્ર માંગ: કોંગી કોર્પોરેટરો રાજીવ સાતવને બ મળી રજુઆત કરશે
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખપદેથી ગઈકાલે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુએ રાજીનામું ધરી દેતા સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઘેરા પડઘા પડયા છે. ઈન્દ્રનીલ રાજયગુરુનું રાજીનામું નામંજુર કરી પાર્ટીમાં ફરી પરત લાવવાની માંગણી મહાપાલિકાના કોંગી કોર્પોરેટરોએ કરી છે. તેઓને પાર્ટીમાં પરત લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસના ૩૩ પૈકી ૧૭ કોર્પોરેટરો રાજીનામા ધરી દેશે તેવી ચીમકી વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ ઉચ્ચારી છે.
મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના તમામ હોદાઓ પરથી ગઈકાલે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુએ રાજીનામું આપી દીધું છે. ઈન્દ્રનીલભાઈના સમર્થનમાં પ્રદેશ નેતાગીરીને રજુઆત કરવા માટે ગઈકાલે કોંગ્રેસના કોર્પોરેટરોની એક બેઠક મળી હતી. જેમાં અતુલભાઈ રાજાણી, નિલેશભાઈ મારું, આણભાઈ ડાકોરા, માસુબેન હેરભા, મકબુલભાઈ દાઉદાણી, રસીલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે, પાલબેન ડેર, ગીતાબેન પુરબીયા, દિલીપભાઈ આસવાણી, રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, પરેશભાઈ હરસોડા, રવજીભાઈ ખીમસુરીયા, જયાબેન ટાંક અને ગાયત્રીબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં તમામ ૧૭ કોર્પોરેટરોએ એક જ સુર પુરાવ્યો હતો કે ઈન્દ્રનીલભાઈની વાત સાચી છે જે લોકો કોંગ્રેસ વિરોધી પ્રવૃતિ કરી રહ્યા છે તેઓને હોદા આપવામાં આવ્યા છે. ૨૨ કોર્પોરેટરો શિસ્તમાં રહે તે માટે તેઓએ પોતાની માંગણી મોકલી હતી અને નોટીસ આપતા હતા તેનો વિરોધ કર્યો છે. આ કોર્પોરેટરો પાર્ટી વિરુઘ્ધ કોઈ કામ કર્યું નથી તો શા માટે તેઓને નોટિસ આપવામાં આવે છે તેવો સવાલ ઉઠાવ્યો હતો. આગામી દિવસોમાં ઈન્દ્રનીલભાઈ રાજયગુરુનું રાજીનામું નામંજુર કરી તેઓને પાર્ટીમાં લેવા જોઈએ તેવી માંગણી સાથે અમો પ્રદેશના રાષ્ટ્રીય નિરીક્ષક રાજીવ સાત્વે પાસે ટાઈમ માંગી તેઓને બ રજુઆત કરશું.
તેઓએ ઉમેર્યું હતું કે, હાલ ઈન્દ્રનીલ રાજયગુરુ સિવાય પાર્ટીને કોઈ ઉભી કરી શકે તેમ નથી. જો તેઓને પક્ષમાં પરત નહીં લેવાય અને અમારી વાતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અમારે નાછુટકે પ્રદેશમાં કોંગી કોર્પોરેટરપદેથી રાજીનામા આપી દેવા પડશે. ઈન્દ્રનીલભાઈ સાચા વ્યકિત છે.અમારો અને ૧૭ કોંગી કોર્પોરેટરોનો તેઓને ટેકો છે.