- પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ જિલ્લાના તમામ આઠ ધારાસભ્ય, શહેર ભાજપ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રદેશ ભાજપના હોદ્દેદારો તથા લોકસભા બેઠકના સંયોજક-પ્રભારીઓને અપાયું આમંત્રણ
ભારતના વડાપ્રધાન તરીકે આવતીકાલે સાંજે નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત શપથ લઈ નવો કીર્તિમાન બનાવશે.આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા માટે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના 17 આગેવાનોને પક્ષ દ્વારા નોતરું મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે રાત્રે તમામ આગેવાનો દિલ્હી ભાણી ઉડાન ભરશે.
લોકસભાની ચૂંટણી બાદ વર્ષ 2014 અને વર્ષ 2019 અને હવે વર્ષ 2024 માં એટલે કે આવતી કાલે રવિવારે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાનપદે નરેન્દ્રભાઈ મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજવાનો છે. ભારતના ઇતિહાસમાં સતત ત્રીજી વખત વડાપ્રધાનપદે આરૂઢ થવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્રભાઈ મોદી બનાવવા જઈ રહ્યા છે.આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા રાજકોટના પદનામિત સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ઉપરાંત રાજકોટ પૂર્વ બેઠકના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રાજકોટ વેસ્ટ બેઠકમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને રાજકોટ દક્ષિણ બેઠકના ધારસભ્ય રમેશભાઈ ટીલાળા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, રાજકોટ લોકસભા બેઠકના સંયોજક રમેશભાઈ રૂપાપરા, કચ્છ લોકસભા બેઠકના પ્રભારી કમલેશભાઈ મિરાણી ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, પોરબંદર બેઠકના સંયોજક પ્રફુલભાઈ ટોળીયા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા,જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને જસદણના ધારાસભ્ય -કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ શપથવિધિ સમારોહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તમામ નેતાઓ આજે રાત્રે દિલ્હી જવા રવાના થઈ જશે. કચ્છ બેઠકના પ્રભારી અને રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી પારિવારિક પ્રસંગ હોવાના કારણે દિલ્હી ખાતે શપથવિધિમાં હાજરી આપશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે દર વખતે શપથ ગ્રહણ સમારોહમાં પક્ષ દ્વારા જે તે શહેર અને જિલ્લાના પ્રમુખ ધારાસભ્ય, પ્રદેશના આગેવાનો અને સાંસદોને આમંત્રણ આપવામાં આવતું હોય છે.શપથ ગ્રહણ સમારોહમાં મેયર નયનાબેન પેઢડીયા કે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીને આમંત્રણ પાઠવવામાં આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.