ભગવતીપરા, ભગીરથ સોસાયટી અને સિતારામ સોસાયટીમાં જુગારના દરોડા: રૂ.૩૭ હજાર રોકડા કબ્જે
શ્રાવણ માસનો આરંભ થતાની સાથે જ જાણે જુગારની મૌસમ ખીલી છે. ત્યારે પોલીસે ભગીરથ સોસાયટી, ભગવતીપરા અને સીતારામ સોસાયટીમાંથી જુગારના દરોડા પાડી જુગાર રમતી સાત મહિલા સહિત ૧૭ શખ્સોને ઝડપી લઈ રૂ.૩૭ હજારની રોકડ કબ્જે કરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ભગીરથ સોસાયટીમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી બી. ડીવીઝન પીએસઆઈ એમ.એફ. ડામોરે સ્ટાફ સાથે ગીતાબેન નામની મહિલાના મકાનમાં દરોડો પાડી, મકાન માલીક ગીતા અરવિંદભાઈ ડેડાણીયા, જીગુ નવનીતાઈ દેવમૂરારી, આરતી દલપતભાઈ ભટ્ટી, માયા રાજુભાઈ મરાઠી, સોના ભીખાભાઈ કોમલ, રાજુભાઈ મરાઠી, શાંતીભાઈ ચતુરભાઈ વીડજા, દલપત રવજી રાવળદેવ અને સંજય ભરતભાઈ રાવળદેવ નામના શખ્સોને ઝડપી રૂ.૧૬૪૦૦ની રોકડ જપ્ત કરી છે. જયારે બીજો દરોડો બી ડીવીઝન પોલીસે ભગવતીપરા શેરી નં. ૮માં પાડી જાહેરમાં જુગાર રમતા ગણેશ ભગવાનજીભાઈ સોલંકી, જીલાની આબીદભાઈ બ્લોચ અને હબીબ હુસેનભાઈ ગોટી નામના શખ્સોને ઝડપી પટમાથી રૂ.૧૧ હજારની રોકડ જપ્ત કરી છે.
ત્રીજો જુગારનો દરોડો આજીડેમ પોલીસ મથકનાં એએસઆઈ ફતેહસિંહ સોલંકીએ સ્ટાફ સાથે સીતારામ સોસાયટીમાં માધવીબેનના ઘરમાં પાડી મકાન માલીક માધવી નિલેષભાઈ કુકડીયા, દિનેશ ખોડીદાસ પરમાર, જગુ સુરીભાઈ જેબલીયા અને રાજુ ચતુરભાઈ ઘેલાણી નામના શખ્સોને ઝડપી રૂ.૧૦ હજારની રોકડ જપ્ત કરી છે.