દેશમાં નવેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈએ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે.
ગત મહિના કરતા ટ્રાન્ઝેક્શનમાં 1.4 ટકાનો વધારો : ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો
ગયા મહિને દેશમાં યુપીઆઈ દ્વારા રૂ. 17.4 ટ્રિલિયનના એટલે કે 17.4 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ઓક્ટોબરમાં રૂ. 17.16 ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન કરતાં 1.4 ટકા વધુ છે. જોકે, આ સમયગાળા દરમિયાન કુલ વ્યવહારોની સંખ્યામાં 1.5 ટકાનો ઘટાડો થયો છે. તે ઓક્ટોબરમાં 11.41 અબજથી ઘટીને 11.24 અબજ થઈ ગયો છે. આના પરથી સમજી શકાય છે કે ટ્રાન્ઝેક્શન દીઠ વધુ પૈસાની લેવડદેવડ કરવામાં આવી હતી.
એક એવી પણ આશા રાખવામાં આવે છે કે 2027ના નાણાકીય વર્ષ સુધીમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન રોજના 100 કરોડના આંકડાને પાર કરી જશે. આવનારા પાંચ વર્ષોમાં દુકાનોમાં 90 ટકા ટ્રાન્ઝેક્શન યુપીઆઈ દ્વારા થવાના અનુમાન છે.
એનપીસીઆઈના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં 54 ટકાનો વધારો થયો છે સાથે પૈસાની લેવડદેવડમાં પણ 46 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં, 15.8 ટ્રિલિયન રૂપિયાના 10.56 અબજ વ્યવહારો થયા હતા. જયારે નવેમ્બરમાં 32.1 કરોડ ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન થયા હતા અને ઓક્ટોબરમાં આ આંકડો 32 કરોડ હતો. ફાસ્ટેગ દ્વારા 5303 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો 5539 કરોડ રૂપિયા હતો. ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન વધ્યા છે પરંતુ રકમ ઘટી છે.
ગયા મહીને આઈએમપીએસના ઉપયોગમાં ઘટાડો થયો છે. આ વર્ષે ઓકટોબર કરતા નવેમ્બરમાં 4 ટકા ઘટીને 47.2 કરોડ થયો છે. આથી કહી શકાય કે યુપીઆઈના કારણે એમપીએસને અસર થઇ છે. ગયા મહિનામાં એઇપીએસ પણ 10 ટકા વધીને 11 કરોડ ટ્રાન્ઝેક્શન પર પહોંચ્યું છે. નાનાથી લઈને મોટા વ્યવહાર કરતા બિઝનેસ કરતા લોકો દ્વાર યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવાનું કામ સરળ બન્યું છે.